બે બાળકોનો પિતા હોવા છતાં 14 વર્ષથી નાની સગીરાને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર કર્યો
સાવલી પોકસો કોર્ટ દ્વારા સન 2022 ની સાલમાં ડેસર પોલીસ મથકે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદમાં આરોપીને આજીવન કારાવાસની સજા અને એક લાખનો દંડની સજા કરતા કોર્ટ પરિસરમાં સન્નાટો મચી જવા પામ્યો છે
કોર્ટ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ડેસર પોલીસ મથકમાં 2022 ની સાલમાં 14 વર્ષ કરતાં નાની સગીરા ને પ્રેમ જાળમાં ફસાવીને ધમકીપૂર્વક અને બળજબરીપૂર્વક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. ડેસર પોલીસે આરોપી વનરાજસિંહ અમરસિંહ રહે ગુતરડી તા ડેસર વિરુદ્ધ પોસ્કો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપીને જેલ ભેગો કર્યો હતો. જેનો કેસ સાવલી પોકસો કોર્ટના જજ જે એ ઠક્કર ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. કોર્ટે અવલોકન કર્યું હતું કે આરોપી બે બાળકોનો પિતા હોવા છતાંય હવસખોરી નું કૃત્ય કર્યું છે જે ભારે નિંદનીય છે. જેથી આરોપીને પોકસો એક્ટની કલમ તેમજ બળાત્કારની કલમ અને એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ દોષિત ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ ફટકાર્યો છે. સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે અને જો દંડ ન ભરે તો એક વર્ષની વધુ સજા ભોગવવાનો હુકમ કર્યો છે. સાથે સાથે ભોગ બનનાર દીકરીને કોમ્પનશેસન એક્ટની જોગવાઈ મુજબ ચાર લાખની સહાય ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ ઓથોરિટી ને ભલામણ કરવામાં આવી છે .જ્યારે આરોપીની સજાની જાહેરાત થતા કોર્ટ પરિસરમાં સન્નાટો મચી જવા પામ્યો હતો અને આરોપીના પરિવારો ચોધાર આંસુએ રડતા જોવા મળી રહ્યા હતા