Kalol

ડેરોલ સ્ટેશનથી પીગળી સુધીના સંખ્યાબંધ ગામોને જોડતો માર્ગ બિસ્માર, પ્રજા પરેશાન

કાલોલ:
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીગળી સુધીના ચાર કિલોમીટર લાંબો મોટાભાગના ગામોને જોડતો ડામરનો રોડ બિસ્માર માર્ગે બની ગયો હોવાથી અહીં વાહનચાલકોને ભારે મૂશ્કેલી પડી રહી છે. આ માર્ગને સત્વરે રિ-કાર્પેટ કરવા તેમજ પીગળી ફાટક થઈ પીગળી ગામ સુધી રબ્બર બમ્પરના સ્પીડ બ્રેકર નાખેલા છે તે તાત્કાલિક કાઢી નાખવાની જરૂર છે. પીગળી ગામે કવચ નદીનું નાળું જર્જરિત થઇ ગયું છે. ઠેરઠેર રોડ પરના ઊંડા ખાડાઓનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તે જરૂરી છે. જવાબદાર તંત્ર દ્વારા વાહનચાલકો તથા ગ્રામજનોની પરેશાનીઓ અને સમસ્યાઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ આવે તેવી કાલોલના એડવોકેટ પી.પી.સોલંકી દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ કાલોલને જાણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને ચોકકસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે આ માર્ગ પણ સુધરે તે જરૂરી છે.

Most Popular

To Top