- સભ્યનું અપમાન થયું હોવાનું સર્વાનુમતે લાગણી વ્યક્ત કરાઈ
- બેઠકમાં ઓડિટ વિભાગનું એક કામ એજન્ડા ઉપર લેવાયું હતું
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકનું શુક્રવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું જો કે આ બેઠક મુલતવી રાખવામાં આવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર હાજર રહ્યા ન હતા તેના કારણે બેઠક મુલતવી રાખી હતી જો કે અંદરની વાત એ છે કે સ્થાયી સમિતિના સભ્ય અને ડેપ્યુટી કમિશ્નર વચ્ચે બે દિવસ પહેલા કોઈક મુદ્દે રક્ઝક થઇ હતી જેના કારણે પણ આ સભા મુલતવી રાખવામાં આવી હતી.
મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકનું આયોજન શુક્રવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં એજંડા ઉપર એક કામ લેવામાં આવ્યું હતું. ઓડિટ વિભાગનું કામ ચર્ચામાં લેવામાં આવનાર હતું પરંતુ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાવના બા ઝાલા આવ્યા જ ન હતા. બેઠકમાં ઉપસ્થિત સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિ કાકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બે દિવસ પહેલા ડેપ્યુટી કમિશનર દ્વારા તેઓનું અપમાન કરવામાં આવ્યું હતું. તેઓ પોતાના વિસ્તારમાં સાફ સફાઈના મુદ્દે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે બંને વચ્ચે રક્ઝક ચાલી હતી અને આ મુદ્દો મુકાતા અન્ય સભ્યોએ પણ અપમાન ન ચલાવી શકાય તેમ જણાવી બેઠક મુલતવી રાખવાનું જણાવ્યું હતું જેના કારણે બેઠક મૂળતવી રાખવામાં આવી હતી.
ડે કમિએ અપમાન કર્યું, અન્ય સભ્યોએ મને સહકાર આપ્યો
હું પરમ દિવસે મારા વિસ્તારમાં સફાઈ કરવા બાબતે રજૂઆત કરવા ભાવના બા ઝાલા પસે ગઈ હતી. ત્યારે તેઓએ મને જણાવ્યું કે આ વખતે સફાઈ કરાવી દાવ છું. પરંતુ મને બાંહેધરી આપો કે હવે પછી કચરો નહિ થાય. ત્યારે મેં તેમને જણાવ્યું કે કચરો નહિ થાય તેવી બાંહેધરી કેવી રીતે આપી શકાય? પાણીની લાઈન રીપેર કર્યા બાદ પુનઃ લીકેજ નહિ થાય તેવી બાંહેધરી આપી શકાય? તેવો જ આ મામલો છે. મને મારુ અપમાન થયું હોય તેમ લાગ્યું જેથી મેં મારા અન્ય સભ્ય સમક્ષ આ વાત મૂકી અને તેઓએ મને સહકાર આપ્યો – જાગૃતિ કાકા, સભ્ય, સ્થાયી સમિતિ
આચાર સંહિતાના કારણે ડે. કમિશનર બેઠકમાં ન આવ્યા
આચાર સંહિતા લાગુ હોય ત્યારે સ્થાયી સમિતિની બેઠકમાં માત્ર પ્રિસાઇડીંગ ઓફિસર જ આવી શકે તે સિવાય કોઈ ન આવી શકે તેવો પરિપત્ર હોવાનું જણાવી ડેપ્યુટી કમિશનર ભાવના ઝાલા બેઠકમાં હાજર રહ્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.