ઘોડા છુટ્યા બાદ તબેલાને તાળા મારતી રાજ્ય સરકારની આંખો ખુલતા જ તપાસના આદેશ
વડોદરા: બનાસકાંઠા જીલ્લાના ડીસામાં વર્ષોથી ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામા 21 નિર્દોષો હોમાઈ ગયા બાદ સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર અને પોલીસ કમિશનરને તેમના વિસ્તારમાં આવતા ગોડાઉન અને દુકાનની અંદર તેમજ તમામ પ્રકારના સેફ્ટી સલામતીના સાધનો અંગે સઘન તપાસ કરવા કડક આદેશ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં વિવિધ તાલુકામાં આવેલી ૪૦ જેટલી દુકાનો અને ગોડાઉનમાં હાલ ઘનિષ્ઠ ચેકીંગ ચાલી રહ્યું છે. જ્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં આવતી પાંચ દુકાનોમાં તપાસ કરી રિપોર્ટ સુપરત કર્યો હોવાનું જાણવા મળે છે.
ગુજરાતમાં કોઈ પણ કરુણ ઘટના બને સેકડો નિર્દોષો તંત્રના લોલમલોલ શાસનના પાપે કાળનો કોળિયો બની જાય પછી જ સરકાર જાગે અને તપાસના આદેશ આપતી હોવાની ઘટના વર્ષોથી ચાલી રહી છે. સુરતનો ગોઝારો અગ્નિકાંડ હોય કે વડોદરાની હરણી બોટ દુર્ઘટના હોય કે પછી રાજકોટની ગેમઝોનની ઘટના કે મોરબીના ઝુલતા પુલમાં ભોગ લેવાયા બાદ સરકાર બાદ તપાસ અર્થે એસઓપી બનાવે છે.
તેજ પ્રકારે ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ હવે, પુનઃ એક વખત સરકારનું તંત્ર સફાળું જાગ્યું છે સમગ્ર ઘટનાનો અહેવાલ માત્ર ત્રણ દિવસમાં તૈયાર કરી રિપોર્ટ સરકારમાં મોકલવા પણ સુચના અપાઈ છે.
વડોદરા જિલ્લામાં ૪૦થી વધુ જ્યારે શહેરમાં પાંચ જેટલા લાઈસન્સ ધારક સંચાલક સાવલી, ડભોઈ, વડોદરા ગ્રામ્ય, પાદરા, કરજણ સહિતના તાલુકામા છે. ત્યાંના મામલતદારને કડક તપાસના હુકમ થયા છે. હાલમાં અંદાજીત ૪૦થી વધારે દુકાનો અને ફટાકડાના ગોડાઉન કાર્યરત છે. જેમની પાસે લાઈસન્સ હોવા ફરજીયાત છે. જોકે, લાઈસન્સ વિના ધમધમતા સેકડો ગોડાઉન અને દુકાનો અંગે તંત્ર પાસે કોઈ માહિતી નથી. હાલમાં સ્થાનિક મામલતદાર દ્વારા ૧૮ દુકાન અને ૧૨ ગોડાઉનની તપાસ કરવામાં આવી છે. જેમાં કોઈ ગેરરીતિ સામે આવી નથી. બીજી તરફ શહેર પોલીસ કમિશનર દ્વારા કપુરાઈ અને વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે-બે તેમજ સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુકાન અને ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. જેનો અહેવાલ તૈયાર કરી રાજ્ય સરકારને સુપરત કરાયો હોવાનું જાણવા મળે છે.
વડોદરા જિલ્લા કલેકટર ના હુકમ મુજબ ફટાકડાના લાયસન્સ જેટલી ટીમોને કાર્યરત કરાઈ છે. 48 કલાકમાં શહેર જિલ્લામાં કડક કાર્યવાહી કરતી ચેકિંગ ટીમોએ 35 થી 40 ગોડાઉન અને દુકાનોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે શહેર જિલ્લામાં હજુ સુધી ફટાકડા ની ગોડાઉન અને દુકાનોમાં કોઈપણ પ્રકારની ગેરરીતીઓ પકડાઈ નથી.
