Vadodara

ડિવાઈડર પર ઉગાડેલા કોનોકાર્પસ બ્લાઇન્ડ ટર્ન ઉભા કરે છે

માનવજીવન માટે જોખમી હોવાથી પર્યાવરણવિદોએ ના પાડી હોવા છતાં શાસકોની જીદ અકસ્માત ને પણ આમઁત્રણ આપે છે..!



વડોદરા મહાનગર પાલિકાના વહીવટ ના પાપે શહેરીજનોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ડિવાઈડર અને સડકની બંને બાજુ ઉગેલા ઝાડ ટ્રીમિંગ કરવા પાછળ દર વર્ષે રૂપિયા બે કરોડ ફાળવવામાં આવે છે. જો કે પાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારીને કારણે ડિવાઈડર પર ઉગેલા કોનોકાર્પસ અકસ્માતને આમઁત્રણ આપી રહ્યા છે.


વડોદરા શહેરના તંત્રની પીઠ થાબડતા આવડત વગરના શાસકોએ શહેરનું ધનોત પનોત કાઢી નાખ્યું છે. શહેરમાં સુશોભીત કરવાના ચક્કરમાં ઉબાડિયું કરી બેઠેલા શાસકોએ પર્યાવરણવિદોએ ના પાડી હોવા છતાં માનવ જીવન માટે જોખમી કોનોકાર્પસ ના છોડ ડિવાઈડર પર ઉગાડ્યા છે. ઝડપભેર મોટા થતા આ છોડ ડિવાઈડરની બહાર લચી પડે છે. સમયસર કોનોકાર્પસ કાપવાની સામાન્ય ત્રેવડ પણ અધિકારીઓમાં નથી, જેના કારણે ઝડપભેર મોટા થતા છોડ વાહન ચાલકો માટે અકસ્માત નું કારણ બને છે.
આ કામગીરી પાર્કસ એન્ડ ગાર્ડન શાખાની દેખરેખ હેઠળ આવે છે. આ વિભાગ ના મુખ્ય અધિકારી ડૉ. મંગેશ જયસ્વાલ છે અને ડે. ડાયરેક્ટર નિલેશભાઈ છે. આ બંને અધિકારીઓને આ બાબત ની જાણ છે આમ છતાં કોનોકાર્પસ કાપવાની તસ્દી લેવાતી નથી. અહીં મહત્વનું એ છે કે પાલિકા દ્વારા ચાર ઝોન માં ઝાડ અને ડિવાઈડર પર ઉગાડેલા છોડ કાપવા માટે ઝોન દીઠ રૂ.૫૦ લાખ ફાળવવામાં આવે છે. આમ ચાર ઝોનમાં મળી કુલ રૂ. ૨ કરોડ ફાળવ્યા બાદ પણ અકસ્માત ને આમઁત્રણ યથાવત રહે છે. અધિકારીઓના નબળા સુપરવિઝનના પાપે વાહન ચાલકોને પડતી અગવડતા સમજવા મેયર પિન્કી સોની, ચિરાગ બારોટ ડે. મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી એ અહીં આવવું જોઈએ. આ લોકોએ તેમની એરકન્ડિશન કાર બાજુ પર મુકી બાઈક કે એક્ટિવા લઈ એકવાર આ રોડના ડિવાઈડરના કટ થી યુ ટર્ન મારવો જોઈએ તો જ લોકો સામે ઉભા થતા અકસ્માતના જોખમની ગંભીરતા ખબર પડશે.

Most Popular

To Top