મંદિરમાં સાફ સફાઈનું કામ કરતા શ્રમિકે ટ્રસ્ટીઓ ઓછું મહેનતાણું આપતા હોવાથી કૃત્ય કર્યાનો ખુલાસો કર્યો
– આ કૃત્ય કરનાર શ્રમિક મોબાઈલ વાપરતો ન હોવાની સાથે તેની પાસે આધારકાર્ડ પણ ન હોય, તેને શોધવાનું કામ પોલીસ માટે ઘાસની ગંજીમાં સોય શોધવા બરાબર હતું
(પ્રતિનિધિ) નડિયાદ, તા. 5
ડાકોર નગરમાં ઉમરેઠ રોડ પર ભવન્સ કોલેજ સામે શેઢી નદીના કિનારે આવેલ શનિદેવ મંદિરમાં પખવાડિયા પહેલા મૂર્તિ ખંડિત કરી દાનપેટી તેમજ ઘંટની ચોરી અને મંદિર પરિસરમાં આવેલ પવિત્ર પીપળાનું ઝાડ કાપી નાખવાની ચકચારી ઘટનામાં પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. આ કૃત્ય મંદિરમાં રહી સાફ સફાઈનું કામ કરનાર દાહોદના બારીયાના એક વૃદ્ધને દ્વારા કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો શ્રમિકને ટ્રસ્ટીઓ દ્વારા ઓછું મહેનતાણું અપાતું હોવાના કારણે આ બિનાને અંજામ આપ્યો હોવાનું પોલીસને જણાવ્યું છે.
19 સપ્ટેમ્બરે ડાકોર નગરમાં ઉમરેઠ રોડ પર ભવન્સ કોલેજ સામે અને પુલ્હાઆશ્રમ આશ્રમ પાસે શેઢી નદીના કિનારે આવેલ પૌરાણિક શનિદેવનું મંદિરમાં મૂર્તિ ખંડિત કરી દાન પેટી તેમજ ઘંટની ચોરી અને મંદિર પરિસરમાં આવેલ પીપળાના ઝાડને કાપી નાખવાનો બનાવ સામે આવ્યો હતો. જેને પગલે ડાકોર નગર તેમજ પંથકમાં તંગદિલી વ્યાપી ગઈ હતી. દરમિયાન આ ચકચારી બનાવની જાણના પગલે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા તેમજ એલસીબી અને એસઓજી પોલીસ ટીમ ત્યાં દોડી ગઇ છે અને પોલીસે આ ચકચારી બનાવ સંદર્ભે ફરિયાદ નોંધી આ કૃત્ય કરનારને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ આ ચકચારી બનાવનો ભેદ ઉકેલવા માટે એલસીબી પીઆઈ કે. આર. વેકરીયા અને એસઓજી પીઆઈ ડી. એન. ચુડાસમાની આગેવાનીમાં વિવિધ દસ ટીમોની રચના કરી હતી અને પોલીસની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી ડાકોર નગરમાં પ્રવેશવા અને બહાર નીકળવાના તમામ માર્ગોમાં લગાવવામાં આવેલ અંદાજિત 54 જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી.
આ દરમિયાન પોલીસને મંદિરના પાછળના ભાગે થી બનાવની રાત્રીના સમયે શંકાસ્પદ હાલતમાં એક ઈસમ બહાર નીકળતો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસ દ્વારા આ ઇસમ સંદર્ભે મંદિરના ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવતા દાહોદ બાજુનો આ ઈસમ મંદિરમાં રહી મંદિર પરિસર તેમજ રૂમોની સાફ સફાઈનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મંદિરના ટ્રસ્ટીઓને તેના નામ કે સરનામાની ખબર ન હતી. સાથે પોલીસે મંદિરમાં કામ કરતા નજીકના એક ગામના દંપતિની પણ પૂછપરછ કરી હતી. જેમાં પોલીસને દાહોદ બાજુના ઈસમનો ફોટો મળ્યો હતો. સાથે પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે રખડતું ભટકતું જીવન જીવતો આ ઈસમ મોબાઇલ વાપરતો ન હોવાની સાથે તેની પાસે આધાર કાર્ડ પણ નથી.
જેથી પોલીસ માટે આ ઈસમને શોધવું ઘાસની ગંજીમાં સોય શોધવા સમાન બન્યું હતું. જોકે પોલીસે જિલ્લામાં આવેલ તમામ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળોએ ફોટાના આધારે આ ઈસમની શોધખોળ હાથ ધરી હતી. ઉપરાંત પોલીસે અનેક રીક્ષા ચાલકો રેલ્વે પ્લેટફોર્મ પરના મજુર તેમજ ધાર્મિક સ્થળોઓ એ શંકાસ્પદ ઈસમોને પૂછપરછ હાથ ધરી હતી. તેમ છતાં પોલીસને આ ઈસમનો કોઈ પતો મળ્યો ન હતો.
દરમિયાન એલસીબી પી એસ આઇ એસ જી પટેલ અને પોકો નીલેશ કુમારને બાતમી મળી હતી કે ફોટો આ વાળો ઇસમ દાહોદમાં જોવા મળેલ છે, જેના આધારે પોલીસ ટીમે દાહોદ ખાતે દોડી જઈ ફોટામાં દેખાતા ઈસમ બીજલ મૂળા બારીયા (રહે બારીયા જી દાહોદ)ને દબોચી લીધો હતો. બાદ નડિયાદ એલસીબી કચેરી ખાતે લાવી પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં બીજલ બારીયાએ ડાકોર શનિદેવ મંદિરમાં બનેલ મૂર્તિ ખંડિત કરી ચોરી અને પીપળાનું ઝાડ કાપી નાખવા ના ગુનાની કબુલાત કરી લીધી હતી. પોલીસને બીજલ બારીયાએ આપેલ કેફિયત મુજબ રખડતું ભટકતું જીવન જીવતો તે છેલ્લા બે વર્ષથી મંદિરમાં રહી મંદિર પરિસર તેમજ ત્યાં આવેલ રૂમોની સાફ સફાઈ કરતો હતો. તેની સામે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર અઠવાડિયે મામુલી રકમ આપતા હતા. બનાવના થોડા દિવસ પહેલા તેણે ટ્રસ્ટીઓ પાસે કામની સામે વધારે પૈસાની માંગણી કરી હતી. જે આપવાની ના પાડતા રોષે ભરાયેલ બીજલ બારીયા એ રાતના મંદિરમાંની મૂર્તિ ખંડિત કરી દાન પેટી તેમજ ઘંટની ચોરી કરી હતી. બાદ જતા જતા તેણે મંદિર પરિસરમાં આવેલ પવિત્ર ઝાડ પીપળો પણ કાપી નાખ્યો હતો. આ બાબતે હવે પોલીસે ઝડપાયેલા ઈસમને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.