વિધાર્થીને ધડાધડ ઉપરાછાપરી 8 લાફા મારી અમાનુષી અત્યાચાર ગુજારનાર શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ
ખેડા જિલ્લાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જાય તેવી વધુ એક ઘટના બનવા પામી છે. ડાકોરની જાણીતી ભવન્સ ઈંગ્લિશ મિડિયમ સ્કુલના શિક્ષકે શાળાના વિદ્યાર્થીને બેફામ માર માર્યો હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ કેમેરામાં ઝડપાઈ ગયા છે. ઘટના પગલે અમાનુષી ત્રાસ ગુજારતા શિક્ષક સામે સમગ્ર ડાકોર પંથકમાં ભારે આક્રોશ ભભૂક્યો છે. કસુરવાર શિક્ષક સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ ડાકોર ભવન્સ ઈંગ્લિશ મિડિયમ શાળામાં અભ્યાસ કરતા એક નાના બાળકને શિક્ષકે ધડાધડ ઉપરાછાપરી 8 લાફા મારી દીધા હતા. આ અંગે વિધાર્થીના વાલીને જાણ થતાં જ તાબડતોબ સ્કુલ પહોંચી શાળામાં આ અંગે રજૂઆત કરી હતી. બાળકને 8 લાફા ઝીંકી દીધા હોવાથી કાનમાં પણ ઈજાઓ પહોંચી હતી. આ બાબતે વાલી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાને બદલે દાદાગીરી કરીને હડધૂત કરી દેવામાં આવ્યા હોવાની હકીકત ઉજાગર થવા પામી છે.
વિધાર્થીને લાફા મારનાર શિક્ષક રાજકુમાર રામગોપાલ સોની સામે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. ડાકોર પોલીસ શાળામાંથી સીસીટીવી કેમેરા ફુટેજ મેળવી કસુરવાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાના બાળકને અમાનુષી વલણ અપનાવી માર મારવાની ઘટના પગલે સમગ્ર ડાકોર પંથકમાં ભારે ફિટકાર થઈ રહેલ છે. તેમજ આવી ઘટના ફરીથી ક્યાંય પણ ના બને તેવી શિક્ષાત્મક કાર્યવાહી માટે વાલી સહિત પંથકના આગેવાનોએ વ્યક્ત કરી હતી.
ડાકોર ભવન્સ ઈંગ્લિશ મિડિયમ સ્કુલના શિક્ષકે વિદ્યાર્થીને બેફામ માર મારતાં પોલિસ ફરીયાદ
By
Posted on