ફાગણી પૂનમ પહેલા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
(પ્રતિનિધિ) નડિયાદ, તા.10
ખેડા જિલ્લા ફૂડ વિભાગ પુનઃ એકવાર સક્રિય થયો છે. ડાકોરમાં ફાગણી પૂનમ છે, તે પહેલા છેલ્લા કેટલાક દિવસથી તપાસ અભિયાન ચાલુ હતુ અને આ દરમિયાન ફૂડ વિભાગે ડાકોરના જુદા-જુદા ખાદ્ય એકમોમાંથી મિઠાઈ અને ફરસાણનાં 27 ખાદ્ય નમૂના લઈ તપાસાર્થે મોકલ્યા છે.
મળતી માહિતી મુજબ ફાગણ સુદ પુનમના દિવસે ખેડા જીલ્લાના ડાકોર મુકામે શ્રીરણછોડરાયજીના મંદિર ખાતે હોળી-ધુળેટી નિમિતે ધાર્મીક લોકમેળો ભરાશે. આ વર્ષે તા. 13 અને 14 માર્ચે હોળી-ધુળેટીનો તહેવાર છે. આ તહેવાર નિમીતે ડાકોર ખાતે આવેલ મીઠાઈ -ફરસાણની દુકાનો ખાતેથી જાહેર જનતા/શ્રધ્ધાળુઓને મિઠાઈ- ફરસાણ વગેરે ખાદ્ય પદાર્થો શુધ્ધ સાત્વિક – આરોગ્યપ્રદ મળી રહે તે હેતુથી ડાકોર ખાતે આવેલ તમામ મીઠાઈ-ફરસાણની દુકાનો/સ્ટોર્સ/હંગામી દુકાનો-ટેન્ટ/લારી-ગલ્લાઓ વગેરે તપાસણી-ચકાસણી ફુડ સેફટી ઍન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેની કામગીરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ખેડા નડીઆદ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ખેડા જિલ્લાના તમામ ફુડ સેફટી ઓફિસરો દ્વારા મેળા અગાઉથી તા. 1 માર્ચથી જ ડાકોર તપાસ શરૂ કરી હતી. જેમાં ડાકોરના રૂટ પર આવતી હોટલ, રેસ્ટોરન્ટના તેમજ ખાણીપીણીના નાના-મોટા એકમોની તપાસ હાથ ધરેલ અને અત્યાર સુધી 15 નમુનાઓ લેવામાં આવ્યા છે. તેમજ ડાકોર શ્રી રણછોડરાય મંદીરના નજીકમાં આવેલ તમામ નાના મોટા મીઠાઈ -ફરસાણ તેમજ પ્રસાદી વેચતા એકમમોમાં તપાસ હાથ ધરી અત્યાર સુધી 12 નમુનાઓ લેવામાં આવેલ છે. તેમજ તંત્રને ફુડ સેફટી ઓન વ્હિલ્સ વાન દ્વારા ઉપરોકત જણાવેલ એકમોમાં તળેલ તેલની તપાસ, મીઠાઈ, ફરસાણમાં ક્લરની તપાસ તેમજ ફુડ સેફટી અવેરનેશને કામગીરી હાથ ધરવામાં આવેલ છે. આમ ઉપરોકત કામગીરી 14 માર્ચ સુધી રાત-દિવસ કરવામાં આવશે. ભગવાનશ્રી રણછોડરાયજીના દર્શને આવતા તમામ ભકતોને શુધ્ધ અને સાત્વીક આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે સઘન તપાસ ચાલુ રહેશે તેમ પણ ફૂડ વિભાગે જણાવ્યુછે.
