Charotar

ડાકોરમાં ફાગણી પૂનમમાં બે હજાર પોલીસ જવાન તૈનાત કરાશે

ફાગણ સુદ પૂનમ પહેલા તંત્રએ તૈયારીઓ આરંભી : શ્રદ્ધાળુઓની સગવડ અને સલામતી માટે રોડમેપ તૈયાર કરાયો

ફાગણી પૂનમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુની સગવડતા માટે 7 પોલીસ સહાયતા કેન્દ્ર ઉભા કરાશે

(પ્રતિનિધિ) નડિયાદ, તા.21

ફાગણ સુદ પૂનમ નિમિત્તે રણછોડરાયજીના મંદિર ડાકોર ખાતે ફાગણોતસ્વની ઉજવણી તારીખ 14 અને 15 માર્ચ દરમિયાન થનાર છે. જે સંદર્ભે તારીખ 10 થી 15 માર્ચ દરમિયાન સમગ્ર રાજ્યમાંથી અને ખાસ કરીને નજીકના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ ડાકોર ખાતે પધારશે. માટે કાયદો અને વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા તથા યાત્રાળુઓની સગવડ, તેમની સલામતીના સુચારું આયોજન માટેની પૂર્વ તૈયારી જેવા વિવિધ આયોજનો બાબતે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ડાકોર સર્કિટ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં મેળા દરમિયાન ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી જળવાઈ રહે તે માટે ખાસ સૂચનો આપવમાં આવ્યા હતા. ખાસ કરીને,  દર્શન કરતી વખતે થતી ભાગદોડ રોકવા માટેના ખાસ આયોજન તથા આડબંધના સૂચારૂ સંચાલનની કામગીરી તથા ધક્કામુક્કી / નાસભાગ જેવી કોઈ અનિશ્ચિય ઘટના ના બને તે માટે આગોતરૂ આયોજન ગોઠવા અંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા.  વધુમાં  CCTV અને PTZ કેમેરા દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ કોઈ આકસ્મિક બનાવ બને તો તેને પહોંચી વળાય તે હેતુસર ઈલેકટ્રોનીક સર્વેલન્સ અંગેની કામગીરી કરવા અંગે સૂચિત કરવામાં આવ્યા. ગોમતી તળાવ ફરતે તથા ગળતેશ્વર મંદિર અને નદી પટ્ટ વાળા વિસ્તારમાં  પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવા અંગે પણ આયોજન કરવામાં આવશે. અને ડાકોર ફાગણી પુનમ મેળા દરમ્યાન ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે 7 પોલીસ સહાયતા કેન્દ્રોનું આયોજન કરવામાં આવશે. ફાગણી પુનમ મેળા દરમિયાન પોલીસ બંદોબસ્ત કુલ 8 સેક્ટરમાં વહેંચવામાં આવશે અને દરેક સેક્ટરમાં સુપરવીઝન તરીકે નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી રહેશે. અંદાજે 2000 જેટલા પોલીસકર્મી તૈનાત કરવામાં આવનાર છે.

Most Popular

To Top