ડાકોરના કાલસર રોડ પરથી પસાર થતાં સંઘની બે મહિલાને બાઇકે હડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચી
બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હોવાથી તેને પ્રથમ સારવાર કરતાં મહિલા સાથેના લોકોએ ડોક્ટરને મારમાર્યો
(પ્રતિનિધિ) ડાકોર તા.14
ડાકોરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં રવિવારની મોડી રાત્રે દર્દીની સારવારને લઇ ભારે હોબાળો થયો હતો. જેમાં દર્દી સાથેના લોકોએ ડોક્ટરને મારમાર્યો હતો. રખિયાલ ગામ પાસે બે મહિલાને બાઇક ચાલકે હડફેટે ચડાવ્યાં હતાં. જેમાં બાઇક ચાલકને માથામાં અને મહિલાને પણ ઇજા પહોંચી હતી. આથી, ત્રણેયને તાત્કાલિક એચડીએસ હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં હતાં. જ્યાં મહિલાના પરિવારજનો સહિત 15 વ્યક્તિએ હોસ્પિટલ માથે લીધી હતી અને ડોક્ટર પર હુમલો કરી મારમાર્યો હતો. આ અંગે ડાકોર પોલીસે 15 જેટલી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો.
ડાકોરની સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના ડો. ભાવેશકુમાર કનૈયાલાલ જનસારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 13મીને રવિવારના રોજ રાત્રે ફરજ પર હતાં તે સમયે રાત્રિના 10-45 વાગ્યાની આસપાસ ગંભીર રીતે ઘવાયેલા કલ્પેશ રમેશભાઈ સોલંકી (રહે. નવી રખીયાલ, તા. ઠાસરા)ને 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ સમયે તેમને પુછતાં તેઓએ ડાકોરથી જુની રખીયાલ વચ્ચે રીક્ષા તથા બાઇક અથડાતાં અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. જોકે, કલ્પેશની ઇજા ગંભીર હોવાથી તેને પ્રાથમિક સારવાર કરી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો અને આ અંગે ડાકોર પોલીસ સ્ટેશને ટેલીફોન વર્ધી લખાવવામાં આવી હતી. આ દરમિયાન બે મહિલા જ્યોતિકાબહેન અંબાલાલ સોઢા (રહે. ભાટપુરા) અને કિર્તીબહેન દિનેશભાઈ ચૌહાણ (રહે. ડાકોર)ને સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. જેઓએ રખીયાલ ચાલતાં જતાં હતાં ત્યારે પાછળથી બાઇક અથડાતાં ઇજા પહોંચી હોવાનું જણાવ્યું હતું. આથી, ડો. ભાવેશકુમાર જનસારીએ તેમને પાર્થિક સારવાર આપી વધુ સારવાર માટે નડિયાદ રિફર કર્યાં હતાં. આ દરમિયાન ડાકોર પોલીસ ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. તે સમયે મહિલા દર્દી સાથે આવેલા 13 જેટલા માણસો અપશબ્દ બોલવા લાગ્યાં હતાં. તેઓએ મહિલા ડોક્ટર કેમ નથી ? અને તમે સારવાર કરો છો. આથી, ડોક્ટરે તેમને નાઇટમાં મારી નોકરી છે અને મારી સાથે મહિલા નર્સીંગ સ્ટાફ છે. તેમ કહેતાં હાજર લોકો ઉશ્કેરાઇ ગયા હતા અને ડોક્ટર પર સીધો હુમલો કર્યો હતો. જોકે, હોસ્પિટલ સ્ટાફ અને સિક્યુરીટીએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. આ અંગે ડો. ભાવેશકુમાર જનસારીએ ડાકોર પોલીસ મથકે રાજકુમાર વિનોદચંદ્ર રાણા, સતપાલસિંહ મનુભાઈ ચૌહાણ, ભરતસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણ, ભાથીભાઇ બગીવાળાનો છોકરો આકાશ, સમિત્રાબહેન ભરતસિંહ ચૌહાણ, ગીતાબહેન લક્ષ્મણસિંહ ચૌહાણ, મહંત મોહનદાસ, ભાવુભાઈ તથા બીજા સાતેક વ્યક્તિ મળી કુલ 15 જેટલી વ્યક્તિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડાકોર પોલીસે ગણતરીના કલાકોમાં જ રાજકુમાર રાણા, સતપાલસિંહ ચૌહાણ અને ભરતસિંહ ચૌહાણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
બાઇક ચાલકને 108માં લઇ જવાની વાત કરતાં મામલો ગંભીર બન્યો હતો
ડાકોરથી કાલસર જવાના રોડ ઉપર રવિવારની રાત્રે એક સંઘ પાવાગઢ જવા નીકળ્યો હતો. જે સંઘના બે મહિલાઓને બાઈક ચાલકે ટક્કર મારતા મહિલાઓને ઈજાઓ પહોંચી હતી. તો બાઈક ચાલક પણ સ્લીપ ખાઈ જતા તેને પણ ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતા 108 ઘટના સ્થળ પર પહોંચી હતી. જ્યાં 108માં રહેલા ડોક્ટર દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની વાત કરી હતી. પરંતુ ઇજાગ્રસ્ત મહિલાઓના સગાઓ દ્વારા 108માં માત્ર મહિલાઓને જ લઈ જવાની વાત કરી હતી. જ્યારે અકસ્માત સર્જનાર બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા 108ના ડોક્ટર દ્વારા બાઈક ચાલકને પણ 108માં લઈ જઈ સારવાર આપવાની વાત કરી હતી. જેથી ઇજાગ્રસ્ત મહિલાના સગાઓએ 108માં નહીં લઈ જઈ ખાનગી વાહનમાં સારવાર અર્થે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પહોંચાડ્યાં હતાં.
ઘાયલ મહિલાને પ્રથમ સારવારનું કહેતા વાતાવરણ ઉગ્ર બન્યું
ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 108માં આવેલા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ હતી. આથી, તેની સારવાર તુરંત ચાલુ કરી હતી. આ ગાળામાં ઇજાગ્રસ્ત મહિલાઓના સગા હોસ્પિટલ પહોંચી પ્રથમ સારવાર મહિલાઓની કરવાની વાત કરી હતી. જોકે, મેડિકલ ઓફિસર દ્વારા તેઓને સમજાવવામાં આવ્યા કે અન્ય સ્ટાફ પણ છે, તે મહિલાઓની સારવાર કરશે. જ્યારે બાઈક ચાલકને માથાના ભાગે વધુ ઇજાઓ પહોંચી હતી. આથી, તેની સારવાર પ્રથમ દ્રષ્ટિએ કરવી પડે એમ હતી. આ તમામ બાબતને લઈ ઇજાગ્રસ્ત મહિલાઓના સગાઓ દ્વારા મેડિકલ ઓફિસર સાથે દાદાગીરી કરી કરતાં મામલો બિચક્યો હતો.
