Charotar

ડાકોરના નવા ફ્લાય ઓવર બ્રિજ પર મોટું ગાબડું, અકસ્માતની ભીતી 

યાત્રાધામ ડાકોરમાં નવ નિર્મિત ઓવરબ્રિજ પર ગુણવત્તા વગરની કામગીરીને કારણે ગણતરીના મહિનાઓમાં જ  જોખમી બન્યો 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જનસુવિધા માટે ત્રણેક માસ પહેલાં લોકાપર્ણ કરાયેલ ડાકોરના ઓવરબ્રિજ પર  સામાન્ય વરસાદમાં જ ધોવાણ થતાં મોટું ગાબડું 

(પ્રતિનિધિ) ડાકોર તા 2

યાત્રાધામ ડાકોરમાં સરકાર દ્વારા યાત્રાળુઓ અને વાહનચાલકો સહિત નગરજનોની સુખાકારી માટે 75 કરોડની ફાળવણી કરીને નવા ફ્લાય ઓવરબ્રિજનુ કામ શરૂ કરવામાં આવ્યું હતું. નવા ઓવરબ્રિજની કામગીરીની શરૂઆતથી જાગૃત નગરજનો ધ્વારા ગુણવત્તા મામલે વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ કોન્ટ્રાકટર દ્વારા બેજવાબદારી પૂર્વક ઓવરબ્રિજની કામગીરી યથાવત રાખવામાં આવી હતી. 

 ડાકોર ઓવરબ્રિજ મામલે અવારનવાર વાદ વિવાદ સર્જાયા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી સમગ્ર ડાકોર પંથકમાં નારાજગી વ્યક્ત કરવામાં આવતી હતી. જોકે ઓવરબ્રિજની કેટલીક  કામગીરી અને સર્વિસ રોડની કામગીરી અધુરી હોવ છતાં પણ લોકસભાની ચૂંટણી અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવા ફ્લાય ઓવરબ્રિજનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 

 લોકાર્પણ બાદ પણ વાહનચાલકો માટે વિવિધ મુશ્કેલીઓ યથાવત રહી હતી. ટ્રાફિક સમસ્યા પણ વારંવાર સર્જાતી હતી. આવી અનેક સમસ્યાઓ‌ વચ્ચે તાજેતરમાં જ સામાન્ય વરસાદમાં નવા નક્કોર ઓવરબ્રિજ પર મસમોટું ગાબડું પડ્યું છે. વરસાદી પાણી વહેતું થતાં ઓવરબ્રિજ પર જોખમી ગાબડું પડી ગયું છે. બ્રિજ પર ગાબડું પડતાં જ વાહનચાલકો માટે નવી સમસ્યા સર્જાઈ છે. ઓવરબ્રિજ પરથી પસાર થતા તમામ વાહનો માટે અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. ગાબડું પડતાં બ્રીજના સળીયા બહાર દેખાઈ આવેલ છે.  નવા ઓવરબ્રિજ માટે સરકાર દ્વારા 75 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ આટલી મોટી રકમ છતાં ડાકોરમાં ઓવરબ્રિજ સુવિધા નિરર્થક બની છે. જેથી વાહન ચાલકો સહિત ડાકોરના નગરજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. 

Most Popular

To Top