જાહેર રજાના દિવસે સ્કૂલ ચાલુ રાખતા નોટિસ ફટકારાઈ
સીજીએમએસની પરીક્ષા હોવાથી સ્કૂલ ચાલુ રાખવામાં આવતા વાલીઓમાં રોષ



( પ્રતિનિધિ )વડોદરા,તા.3
વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલી ફેઈથ પબ્લિક સ્કૂલ દ્વારા જાહેર રજા ના દિવસે પણ ચાલુ રાખી બાળકોને બોલાવવામાં આવતા વિવાદ થયો હતો. અંગેની જાણ થતા કચેરી દ્વારા સ્થળ તપાસ કરી નોટિસ ફટકારી સોમવારે રૂબરૂ કચેરી ખાતે બોલાવી ખુલાસો માંગવામાં આવ્યો છે.
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલી ફેઈથ પબ્લિક સ્કૂલમાં ગુડ ફ્રાઈડેની જાહેર રજાના દિવસે પરીક્ષા લેવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ફેથ પબ્લિક સ્કૂલ દ્વારા સરકારના નિયમનો ભંગ કરતા સ્કૂલ ચાલુ રાખી પોતાની મનમાની કરવામાં આવી હતી. જયારે, તમામ શાળાઓ શિક્ષણ વિભાગના અને ડીઈઓ કચેરીના આદેશ તેમજ પરિપત્રનું પાલન કરતી હોય છે. ત્યારે, ફેઈથ પબ્લિક સ્કૂલના સંચાલકો કોના આશીર્વાદથી તાનાશાહી કરી રહ્યા છે, તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. શાળાના પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારવાના બદલે પોતે સાચા છે, તેવો દાવો કરતા નજરે પડ્યા હતા. શિક્ષણ વિભાગના ઉપરવટ જઈ પોતાની ઈચ્છા અનુસાર શાળાના બાળકોને રજાના દિવસે શાળામાં બોલાવી પરીક્ષા ચાલુ રાખતા વાલીઓ પણ આ મામલે રોષે ભરાયા હતા. સ્કૂલની પ્રિન્સિપાલ શ્રીજી થોમસે જણાવ્યું હતું કે, સીજીએમએસની પરીક્ષા છે, અને અમારે સ્કૂલમાં સેન્ટર છે. એટલે આવતીકાલે પણ રજા જાહેર કરવી પડશે. એટલે વિદ્યાર્થીઓની સળંગ ત્રણ રજા આવી છે અને સોમવારે ફરીથી એ લોકો આવશે. કાલે જો એક્ઝામ ન હોત તો આજે રજા આપવાના જ હતા. બધા જ સ્ટાન્ડર્ડ ના અલગ અલગ પેપરો છે. ડીઈઓ કચેરીથી પણ અમને ટેલીફોનિક જાણ કરવામાં આવી હતી કે, આવી રીતે સ્કૂલ ચાલુ રાખી શકતા નથી, પણ જો કાલે પરીક્ષા ના હોત તો અમે પણ રજા આપતા, બધી જગ્યાએ આવતીકાલે સ્કૂલો ચાલુ છે. જ્યારે અમારે બંધ છે. એટલે ડીઇઓની સૂચના બાદ અમે સ્કૂલ બંધ કરી બાળકોને પરત મોકલી દીધા હતા.
સ્કૂલ સંચાલકને ડીઈઓ કચેરીનું તેડુ : દંડનીય કાર્યવાહી કરાશે
સ્કૂલને નોટિસ અને સૂચના આપી છે. સૌપ્રથમ આની જાણ જિલ્લા શિક્ષણ અધિકારીને થતા અમને પણ જાણ કરવામાં આવી, તેમની સૂચના મળતા કચેરી દ્વારા રૂબરૂ સ્કૂલમાં તપાસ કરવામાં આવી હતી અને સ્કૂલ સંચાલકને સૂચના આપવામાં આવી છે. આવતીકાલે સીજીએમએસની પરીક્ષા છે એટલે આપણે કચેરી ખાતે સોમવારે તેમને ખુલાસા માટે બોલાવવામાં આવેલા છે, નિયમ મુજબ એ ખુલાવશો આપણે આપવો પડે, એ આપ્યા પછી ખુલાસો સર્વગ્રાહય રાખ્યા બાદ સરકારી તિજોરીમાં નિયમ પ્રમાણે દંડ ભરાવવામાં આવશે. : મિતાબેન જાદવ ,ડીઈઓ કચેરી