Vadodara

ડભોઇ-વડોદરા રોડ પર કાળમુખો ટ્રક મોત બની ત્રાટક્યો, અકસ્માતમાં 42 વર્ષીય બાઈકસવારનું મોત


(પ્રતિનિધિ), વડોદરા. તા.4

વડોદરા જિલ્લાના ડભોઇ-વડોદરા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક ટ્રક GJ 04 AW 6622 ના ચાલકે બાઈક સવાર GJ 06 NE 0203 ને અડફેટે લેતા 42 વર્ષીય વિરલ મહેન્દ્રભાઈ પટેલનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ટ્રકની અડફેટે આવતા વિરલ ટ્રક ના પાછળના ટાયર નીચે આવી જતાં ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ તેનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પલાસવાળા ગામ ખાતે રહેતો વિરલ પટેલ ખેતી કામ કરીને વડોદરા જઈ રહ્યો હતો ત્યારે કુંઢેલા પાસે ટ્રક ચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક ડભોઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી (SSG) હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

વિરલભાઈના આકસ્મિક નિધનના સમાચાર મળતા જ તેમના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. એક હસતા-રમતા પરિવારનો મોભી છીનવાઈ જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે હાલ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ અને તેની શોધખોળ શરૂ કરી છે.

Most Popular

To Top