(પ્રતિનિધિ) વડોદરા તા.10
શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા થ્રી વ્હીલર ટેમ્પો ચલાવતા આધેડ ગત તા.09 માર્ચના રોજ લીલું ઘાસ ભરી થ્રી વ્હીલર ટેમ્પો લઈ ડભોઇ રોડ પ્રતાપનગર ખાતેથી પસાર થતા હતા તે દરમિયાન અચાનક ટેમ્પો પલ્ટી ખાઇ જતાં ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકનું સારવાર દરમિયાન એસ.એસ.જી.હોસ્પિટલમા મોત નિપજ્યું હતું સમગ્ર મામલે કપૂરાઇ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ સુરેન્દ્રનગર જીલ્લા વતની અને હાલમાં વડોદરા શહેરના વાઘોડિયારોડ ખાતે આવેલા સૂર્યનગર ખાતે સંજયભાઇ ભૂલેશભાઇ રાવલ પોતાના માતા પિતા સાથે રહે છે અને પટેલ એસ્ટેટમા પીવીસી પાઇપની કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે તેના પિતા ભૂલેશભાઇ પ્રતાપરાય રાવલ થ્રી વ્હીલર ટેમ્પો ચલાવતા હતા. ગત 09 માર્ચે સંજયભાઇ પોતાની નોકરી પર હતા તે દરમિયાન તેના મિત્રે ફોન કરીને જણાવ્યું હતું કે તેના પિતા ડભોઇ રોડ પ્રતાપનગર તરફ નાથદ્વારા સોસાયટી પાસેથી લીલું ઘાસ ભરીને થ્રી વ્હીલર ટેમ્પો જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-બીયુ-4111 લઈને બપોરે બે વાગ્યાની આસપાસ જતાં હતાં તે દરમિયાન ટેમ્પો પલ્ટી ખાઇ જતાં તેમને એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી.હોસ્પિટલમા લઈ ગયા છે. જેથી સંજયભાઇ એસ.એસ.જી.હોસ્પિટલ પહોંચી ગયો હતો જ્યાં તેના પિતા ભુલેશભાઇને કમર,નાક અને કપાળના ભાગે ઇજાઓ પહોંચી હતી જેઓનું સારવાર દરમિયાન રાત્રે 9 કલાકે મોત નિપજ્યું હતું સમગ્ર મામલે કપૂરાઇ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
