ડભોઇ તાલુકાના પૂડા ગામની સીમમાંથી ગતરોજ મળેલા મૃતદેહની તપાસમાં મિત્ર દ્વારા જ પૈસાની લેતી દેતી મામલે હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. ડભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા મિત્ર ને ઝડપી પાડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
ડભોઇ તાલુકાના પૂડા ગામની સીમમાં થી ગતરોજ ગામના જ હસમુખભાઈ ભવનભાઈ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ થતાં જ ડભોઇ પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતા મૃતકને માથા ના ભાગે ગંભીર ઇજા થઈ હોવાનું જણાઇ આવતા પોલીસે હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી હતી. મૃતકના ભાઈ ની ફરિયાદના આધારે ડભોઈ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આ અંગે તપાસ હાથ ધરવામાં આવતા ફરીયાદી જયંતીભાઈ તથા મૃતકની પત્ની સુરેખાબેનની તેમજ ગ્રામજનોની પોલીસ દ્વારા પુછ-પરછ કરતા જાણવા મળ્યું કે હસમુખ ગઈકાલ રાત્રે તેના મિત્ર અને સાથે નોકરી કરતા મિતેશભાઈ વસાવાની સાથે ગયો હત.જે બાદ પોલીસ દ્વારા મિત્ર મિતેશભાઈ વસાવા તથા અન્ય મિત્રના હ્યુમન સોર્સ દ્વારા મોબાઇલ નંબર મેળવી તેઓના લોકેશન કઢાવતા તેઓના લોકેશન વડોદરા જિલ્લાના કરજણ ખાતેના આવ્યા હતા. જેથી મૃતકના મિત્ર મિતેશભાઈ તથા તેના અન્ય મિત્રને શોધી કાઢવા પોલીસ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી મિત્ર મિતેશભાઈ તથા અન્ય મિત્ર સતિષભાઈ વસાવા ને કરજણ રેલ્વે સ્ટેશન ખાતેથી ઝડપી પાડી બનાવ સબંધે સઘન પુછપરછ કરતા તેઓએ જ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીના મામલે હત્યા કરી હોવાનું આરોપીએ પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું.આમ ડભોઇ પોલીસે ગણતરી ના કલાકો માં જ હત્યાનો ગુનો ડિટેકટ કરી આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
