વિપક્ષી નેતા ચંદ્રકાન્ત ભથ્થુએ શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી પોલીસ પેટ્રોલીંગ વધારવા,પોલીસ બંદોબસ્ત ની માગ કરી
સીસીટીવી કેમેરા રાત્રે નિંદ્રાધીન બની જતાં હોય સીસીટીવી કેમેરા ખરીદવામાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા
શહેરના ઇલેક્શન વોર્ડ નં.16માં આવેલા ડભોઇરોડ ખાતેના શક્તિનગર-1 અને-2,ગણેશનગર-1અને 2,હિરાબાનગર, ચુનારાવાસ.તથા વિશ્વકર્માનગર સહિતના આસપાસના વિસ્તારોમાં છેલ્લા પંદર દિવસથી રાત્રે કેટલાક અસામાજિક તત્વો અથવાતો તસ્કરો મારક હથિયારો સાથે મોટરસાયકલો જેવા વાહનો પર આવી દરવાજો ખખડાવે છે જેના કારણે સ્થાનિકોમા ભયનું વાતાવરણ સર્જાયું છે જે અંગેની રજૂઆત વિરોધપક્ષના નેતા અને સ્થાનિક કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (ભથ્થુભાઇ)એ શહેર પોલીસ કમિશનર ને કરી હોવા છતાં અહીં રાત્રે હથિયારો સાથેના તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે જે અંગે વિપક્ષીનેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે મિડિયાના માધ્યમથી પોલીસ કમિશનર તથા પાણીગેટ પોલીસને રજૂઆત કરી હતી કે અહીં સ્થાનિકો ભયના ઓથાર હેઠળ રહેવા મજબૂર બન્યા છે સાથે જ ખાસ કરીને મહિલાઓ તથા દીકરીઓની પરિસ્થિતિ સૌથી વધુ કફોડી બની છે. સ્થાનિક મહિલાઓએ
વિપક્ષીનેતા પાસે દોડી આવી સમગ્ર મામલે રજૂઆત કરી છે ત્યારે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મૂકવા, રાત્રી પોલીસ પેટ્રોલીંગ વધારવા તથા હથિયારો સાથે રાત્રે આવી લોકોના દરવાજા ખખડાવતા અસામાજિક તત્વોને વહેલી તકે ઝડપી પાડી સખતમા સખત સજા કરવાની માંગ કરી છે.વધુમાં તેમણે આક્ષેપો કર્યા હતા કે, આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા તો છે પરંતુ તે સીસીટીવી કેમેરા રાત્રે જાણે નિંદ્રાધીન બની જતાં હોય કેમેરામાં કોઇ રાત્રી દરમિયાન દેખાતું નથી જેનો ગેરલાભ ઉઠાવી અસામાજિક તત્વોને જાણે છૂટો દોર મળી ગયો છે. હલકી ગુણવતાના સીસીટીવી કેમેરા ખરીદવામાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું જણાય છે જેથી સારી ગુણવતા ધરાવતા અને રાત્રે પણ ક્લિયર વિઝનવાળા સીસીટીવી કેમેરા તાત્કાલિક ધોરણે અહીં લગાડવાની કાર્યવાહી કરવામાં આવે જેથી પોલીસને પણ અસામાજિક તત્વોને ઝડપથી શોધી કાઢવામાં મદદ મળી રહે અને ગુનેગારો ઝડપથી પકડાઇ શકે તેવી માંગ કરી છે.