પતિ વર્ષ -2024 થી પત્ની પર વહેમ રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો
(પ્રતિનિધિ) વડોદરા તા. 01.
શહેરના ડભોઇરોડ વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં રહેતી યુવતી કોમલબેન ના વર્ષ -2011મા ચિરાગભાઇ ભાનુભાઇ સોલંકી સાથે સમાજના રિવાજ મુજબ લગ્ન થયા હતા તેઓને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. કોમલબેનના પતિ ચિરાગભાઇ વર્ષ -2024 ના ઓગસ્ટ માસથી પત્ની સાથે નાની નાની બાબતે ઝઘડા કરી ખોટા શક,વહેમ રાખી રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આજથી પંદરેક દિવસ પહેલાં આડા સંબંધ ની શંકાએ બંને વચ્ચે ઝઘડો થતાં કોમલબેન અટલાદરા સનફાર્મા રોડ ખાતે આવેલા વુડાના મકાનમાં રહેતી મામાની દીકરી કુસુમબેન મુકેશભાઇ સોલંકીના ઘરે રહેવા જતા રહ્યા હતા. ગત તા.31માર્ચના રોજ કોમલબેનની દીકરીએ ફોન કરી માતાને મળવાની ઇચ્છા વ્યક્ત કરતા કોમલબેન બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે પતિના ઘરે ગયા હતા જ્યાં બાળકો ટ્યુશને ગયા હતા અને પતિ ઘરે હતો જેણે પત્ની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને ત્યાં પડેલા બેટથી પત્નીને ફટકારી “તું અહીં આવીશ તો તને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી કોમલબેનને હાથ પગ અને કપાળના ભાગે ઇજાઓ પહોંચાડી હતી જે અંગે પતિ વિરુદ્ધ કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી .કોમલબેને પંદર દિવસ પહેલાં કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ અરજી કરી હતી તે દરમિયાન પોલીસે કાઉન્સિલિગ કરતા લગ્નજીવન ન તૂટે માટે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.પરંતુ સોમવારે ફરીથી પતિએ ઝઘડો કરી માર મારતાં પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
