ભૂપેન્દ્ર પટેલ બાદ વધુ એક નજીકનો સાથી ભાજપમાં જોડાતા ડભોઇના રાજકારણમાં ઉથલપાથલ



વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના રાજકારણમાં મોટા ફેરફારો સામે આવી રહ્યા છે. સિદ્ધાર્થ પટેલના વફાદાર ગણાતા પ્રહલાદ મંગળ પટેલે ભાજપમાં જોડાતા કોંગ્રેસ માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
ડભોઇ તાલુકા પંચાયતના એકમાત્ર સભ્ય તરીકે ઓળખાતા પ્રહલાદ પટેલે પક્ષ બદલતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અગાઉ ભૂપેન્દ્ર પટેલ ભાજપમાં જોડાયા બાદ હવે સતત બીજા વફાદારના વિમુખ થવાથી ચર્ચાઓ તેજ બની છે.
અંતરંગ સૂત્રોના જણાવ્યા મુજબ, સિદ્ધાર્થ પટેલના રાજકીય વારસ વિશ્વેશ પટેલ ડભોઇ વિધાનસભામાં સક્રિય બનતા જૂના કાર્યકરોમાં અસંતોષ વધ્યો હતો. “અમને નહીં ફાવે” ની લાગણી સાથે પ્રહલાદ પટેલે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી.જે. બ્રહ્મભટ્ટની હાજરીમાં પ્રહલાદ પટેલ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.
૪૦ વર્ષથી વધુ સમયથી સિદ્ધાર્થ પટેલના પડછાયા સમાન રહેલા સાથીઓ એક પછી એક પક્ષ બદલી રહ્યા છે, જેના કારણે ડભોઇના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
આ બદલાવનો આવનારી ચૂંટણી પર કેટલો પ્રભાવ પડશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.