ભારે વાહનોના કારણે થરવાસા ચોકડી ફરી રક્તરંજિત થતા રહી ગઈ, કારને ભારે નુકશાન
(પ્રતિનિધિ), વડોદરા. તા.4
વડોદરા જિલ્લાના ડભોઇ પંથકમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે ડભોઇ-વડોદરા માર્ગ પર આવેલી વ્યસ્ત એવી થરવાસા ચોકડી પાસે એક કન્ટેનર અને ઇકો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતે લોકોના જીવ અધ્ધર કરી દીધા હતા. પૂરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેનરે ઇકો કારને જોરદાર ટક્કર મારતા કારનો કન્ડક્ટર સાઈડનો ભાગ પડીકું વળી ગયો હતો. જોકે, આ ઘટનામાં કુદરતી કરિશ્મા જોવા મળ્યો હતો, જેમાં કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે.

મળતી માહિતી મુજબ, ડભોઇની થરવાસા ચોકડી પરથી જ્યારે ઇકો કાર પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બેફામ ગતિએ આવતા એક કન્ટેનરના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ઇકો કાર સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો એક તરફનો હિસ્સો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માત થતા જ આસપાસના ગ્રામજનો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

મુખ્ય માર્ગ પર જ અકસ્માત સર્જાયો હોવાથી હાઈવેની બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ રહેતા વાહનચાલકો અટવાયા હતા. ઘટનાની જાણ થતા જ ડભોઇ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

થરવાસા ચોકડી પાસે અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેફામ દોડતા ભારે વાહનો અને ઓવરસ્પીડિંગને કારણે નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા અહીં ટ્રાફિક નિયમન માટે નક્કર પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.