ડભોઇની ત્રણ વર્ષીય બાળકી રમત દરમિયાન ગરમ પાણીના વાસણમાં પડી જતાં દાઝી,એસ.એસ.જી.મા દાખલ
બાળકી પોતાના નાના ભાઈ સાથે રમતાં રમતાં દોડતી વેળાએ ગરમ પાણીના વાસણમાં પડી હતી
બાળકી છાતીથી નીચે પગ સુધી દાઝી, સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું
(પ્રતિનિધિ) વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરમાલ ગામમાં ગત તારીખ 26મી જાન્યુઆરીના રોજ સાંજે ઘરની બહાર ત્રણ વર્ષીય બાળકી પોતાના નાના ભાઈ સાથે રમી રહી હતી તે દરમિયાન અચાનક દોડતા દોડતા ઘરની બહાર ચૂલા ઉપર પાણી ગરમ કરવા મૂકેલા વાસણમાં પડી જતાં દાઝી ગઇ હતી જેથી તેને એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં તેની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરમાલ ગામ ખાતે રહેતા કમલેશભાઇ પરમાર ખેતી કામ કરે છે તેમના પરિવારમાં પત્ની તથા બે બાળકો જેમાં ત્રણ વર્ષની મોટી દીકરી શિવાની છે તથા એક વર્ષનો પુત્ર છે સાથે જ તેમના ભાઈ અને તેની પત્ની રહે છે.ગત તા. 26 મી જાન્યુઆરીના રોજ સાંજે આશરે સાત વાગ્યાના સુમારે ઘરના સભ્યો ખેતરમાં કપાસ વીણીને ઘરે આવ્યા હતા અને ન્હાવા માટે ઘરની બહાર ચૂલા ઉપર ગરમ પાણી મૂકીને ઘરના સભ્યો અન્ય કામમાં વ્યસ્ત હતા તે દરમિયાન ઘરના બંને બાળકો જેમાં મોટી દીકરી ત્રણ વર્ષીય શિવાની પોતાના નાના ભાઈ સાથે બહાર રમી રહી હતી તે સમયે અચાનક રમતાં રમતાં દોડી હતી અને ફસડાઇને ગરમ પાણીના વાસણમાં પડી હતી જેથી તે છાતીથી નીચે પગ સુધી દાઝી ગ ઇ હતી જેથી પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને દાઝી ગયેલી ત્રણ વર્ષીય બાળકી શિવાનીને મંડાણા ખાતે આવેલા ખાનગી ક્લિનિકમા લઇ ગયા હતા પરંતુ ત્યાં સુવિધા ન હોવાથી વડોદરા શહેરના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું તથા તેની તબિયતમાં સુધારો હોવાનું જાણવા મળ્યું છે.