– ઠાસરા અને ગળતેશ્વર તાલુકાની શિક્ષક આલમમાં ખળભળાટ
– જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા નિમાયેલા તપાસ અધિકારીએ તમામ ડિરેક્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા પણ અચાનક ત્રણ સામે જ ગુનો નોંધાતા આશ્ચર્ય
–આટલા બધા વર્ષો સુધી કેમ ફરિયાદ કરવામાં ના આવી તે પ્રશ્ન
– ચિઠ્ઠીના ચાકર કર્મચારી સામે ગુનો નોંધાતા અનેક સવાલો ઉઠ્યા
– હાલના ચેરમેન પણ તત્કાલીન સમયે તમામ ઠરાવોમાં સામેલ છતાં તેમની સાથે અન્ય ડિરેક્ટરોને પણ બચાવી લેવાયાની ચર્ચાઓ
– હાલમાં પણ ટીચર્સ મંડળીમાં ડિફોલ્ટર ખાતેદારોની કપાત કે કાર્યવાહી કરાતી નથી એવી બૂમો ઉઠી
– ચોરના ભાઇ ઘંટી ચોર જેવો ઘાટ છતાં મામલામાં માત્ર ત્રણ જ ભરાયા
– અન્ય ડિરેક્ટરો પણ દુધે ધોયેલા નહિ હોવાની ચર્ચાઓ ઉઠી
સેવાલિયા :
ઠાસરા ગળતેશ્વર તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીમાં 2.12 કરોડ રૂપિયાની ઉંચાપતના આક્ષેપ સાથે તત્કાલીન ચેરમેન, સેક્રેટરી અને ક્લાર્ક વિરુદ્ધ ઠાસરા પોલીસ ખાતે ગુનો દાખલ થતા તાલુકાભરના શિક્ષક આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે ઠાસરા ટીચર્સ મંડળીના હાલના સેક્રેટરીએ આપેલી ફરિયાદ મુજબ વર્ષ 2016 થી 2022 દરમ્યાન મંડળીના તત્કાલીન ચેરમેન અને સેક્રેટરી દ્વારા અલગ અલગ ખાતેદારોના ખાતામાં લોન ઉધારીને નાણાકીય ઉંચાપત કરી હોવાના આરોપ સાથે ક્લાર્ક સહીત ત્રણ સામે ગુનો દાખલ કરાયો છે. વધુ ન્યાયિક તપાસ થાય તો આ મામલામાં વધુ ડિરેક્ટરોની સંડોવણી પણ બહાર આવે તેવી સંભાવના છે. કારણકે હાલના ચેરમેન સહીત અનેક ડિરેક્ટરોએ મોટાભાગના ઠરાવોમાં સહીઓ કરીને તેમજ મીટીંગ ભથ્થું લઈને પોતાની સંમતિ દર્શાવેલ હોવાનું ફલિત થતું રહ્યું છેં. જોકે આશ્ચર્યજનક રીતે તમામ ડિરેક્ટરોને બદલે માત્ર ત્રણ સામે ગુનો નોંધાતા પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છેં.
ચીઠ્ઠીના ચાકર કર્મચારીનો ભોગ લેવાયો
ઠાસરા ટીચર્સ મંડળીમાં ગેરરીતિ મામલે જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરાયેલી તપાસમાં ક્લાર્કને બેદરકારી બદલ જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા, જોકે ઠાસરા પોલીસે ઉપરોક્ત બાબતને ધ્યાને લઈને કર્મચારી સામે પણ ગુનો દાખલ કરી દેતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છેં કે કેમ? કોઈના દબાણથી તો ગુનો દાખલ નથી કરાયોને? જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ચેરમેન અને મંત્રી સહી કરતા હોવાથી ગુનેગાર ત્યારે ઠરાવોમાં સહી કરીને સામેલ રહેલા ડિરેક્ટરોને કેમ બાકાત રખાયા?
ઠાસરા ટીચર્સ મંડળીમાં ગેરરીતિ મામલે હોદ્દેદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પણ આ તમામ ગેરરીતિઓમાં મૂક સંમતિ આપનાર ડિરેક્ટરોને કેમ બચાવી લેવાયા તેવા સવાલો માથું ઉંચકી રહ્યા છે. કારણકે મોટાભાગના ઠરાવોમાં મૂક સંમતિ આપનારા અને લોન મંજુર કરનારા ડિરેક્ટરો પણ એટલા જ જવાબદાર હોવાની ચર્ચાઓ તેજ બની છે. જોકે પોલીસ દ્વારા તપાસ દરમ્યાન વધુ જવાબદારોના નામ ખોલવામાં આવે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
હાલમાં પણ ડિફોલ્ટર પાસે કપાત કે વસુલાત નહિ થતી હોવાના આક્ષેપો ઉઠ્યા
ઠાસરા ટીચર્સ મંડળીમાં તમામ ખાતેદારોની લોન પેટે કપાત કરવાની શરૂઆત કરતાં જ મામલો ઉજાગર થયો હતો, ત્યારે અત્યારે પણ કેટલાક ખાતેદારોની કપાત કરવામાં નમંડળી ના નિયમથી વધુ લોન આપી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. ત્યારે આ મામલે તપાસ કરવામાં આવે તો હાલના હોદેદ્દારો નીચે પણ રેલો આવે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.
2016 અને 2019 માં ફરિયાદ થઇ હતી તો કેમ વર્ષો સુધી દબાવી રાખી?
સમગ્ર મામલે ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટી ના કર્મચારી પંકજભાઈ દેસાઈભાઈ પરમાર ના જણાવ્યા પ્રમાણે હુતો કર્મચારી છું અને પ્રમુખ મંત્રી સભાસદો નો હુકમ નું પાલન કરવું તે મારી ફરજ માં આવે છે જેને કારણે મેં તને હુકમ નું પાલન કર્યું છે મારી દ્રષ્ટિએ તાપસ અધિકારીએ મારી સંડોવણી ખોટી કરી છે વર્ષ 2016 માં આજ મંડળીના પૂર્વ સભ્ય જાતે અરજી કરીને જિલ્લા રજીસ્ટર ને લેખીત આપ્યું હતું તેજ રીતે 2019 માં પણ હાલ ના સભ્ય ગયા હતા છતાંય કેમ આ ફરિયાદ 2025 સુધી કેમ દબાવી રાખવામાં આવી તે પણ એક પ્રશ્ન છે