પતિએ પત્ની પર ખોટો શક વ્હેમ રાખી કકળાટ કરતા ખુન્નસમાં આવેલા પતિનું કારસ્તાન
(પ્રતિનિધિ) નડિયાદ, તા.20
ઠાસરાના વિઠ્ઠલપુરા ગામે 17 વર્ષના લગ્નજીવનનુ કરૂણ અંત આયો છે. જેમાં પતિએ પોતાની પત્ની પર અવારનવાર ખોટો શક વ્હેમ રાખી ઝઘડા કરતો હતો અને ગતરાત્રે આ બાબતે થયેલા ઝઘડામાં ખુન્નસમા આવેલા પતિએ પોતાની પત્નીને કોઇ તિક્ષણ હથિયાર વડે માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધી છે. આ બનાવ મામલે ઠાસરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મુળ વાઘોડિયા તાલુકાના રાહકુઈ ગામના રમીલાબેન જયંતિભાઈ નાયક ખેત મજુરી અર્થે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના વિઠ્ઠલપુરા તાબેના દેવનગર ખાતે રહે છે. અહીંયા નજીકમાં કમલેશભાઈ પટેલના કુવા વાળા ખેતરમાં આવેલ ઓરડીમાં તેમની સગી બહેન જ્યોતિકા અને બનેવી રાજુભાઇ સોમાભાઈ ઠાકોર રહે છે. તેઓ અહીંયા ખેત મજુરી કરે છે. જ્યોતિકાબેનના અને રાજુના લગ્ન વર્ષ 2007મા થયા હતા. બાદમાં આ રાજુ પોતાની પત્નીને શંકાની નજરે જોતો હતો અને આ બાબતે અવારનવાર ઘર કંકાસ થતો હતો. ગતરોજ બપોરના સમયે આ રાજુ અને જ્યોતિકા વચ્ચે ઉપરોક્ત બાબતને લઈને ઝઘડો થયો હતો. જેથી જ્યોતિકા તુરંત નજીક આવેલ પોતાની બહેનના ઘરે પહોંચી આ ઝઘડાની જાણ કરી હતી. રમીલાબેને સમજાવી જ્યોતિકાને સાંજે તેના ઘરે મોકલી આપી હતી. આજે વહેલી સવારે જ્યોતિકાના પડોશી મારફતે રમીલાબેનને જાણ થતાં તેઓ રાજુના ઘરે દોડી આવ્યા હતા. જ્યાં જ્યોતિકાબેન લોહીલુહાણ હાલતમાં ગોદડીમાં જોયા હતા. માથાના ભાગે પણ ગંભીર ઘા ના ઈજાના નીશાન હતા અને નાના સંતાનો બાજુમાં સુતા હતા. જોકે જ્યોતિકાનો પતિ રાજુ ઠાકોર ત્યાં હાજર નહોતો. આ બનાવની જાણ ઠાસરા પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી ફરિયાદ નોંધી છે. પોલીસે આ મામલે રમીલાબેન નાયકની ફરિયાદના આધારે ફરાર થયેલા રાજુ ઠાકોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.