ભદ્રાસા ગામના મહી નદીના કાંઠે ગેરકાયદે ખનન કરતા 3 વાહનો ઝડપ્યા
ખનન કરતા ઈસમના અંદાજે 40 લાખના વાહનો જપ્ત, 5થી 10 લાખનો દંડ ફટકારશે
(પ્રતિનિધિ) નડિયાદ, તા.28
ખેડા જિલ્લા ખાણ-ખનીજ વિભાગે ઠાસરાના ભદ્રાસા ગામમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખનન પર સપાટો બોલાવ્યો છે. મહી નદીના કાંઠે ખનન માફીયાઓ દ્વારા પરવાના વગર ગેરકાયદેસર ખોદકામ ચાલી રહ્યુ હતુ. જેની માહિતી મળતા ખાણ વિભાગે સ્થળ પર પહોંચી અને 3 વાહનો જપ્ત કર્યા છે, જ્યારે દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના ભદ્રાસા ગામની હદમાં ભદ્રાસા-અકલાચા રોડ પર આવેલા મહીસાગર નદીના કાંઠે કેટલાક ખનન માફીયા ઈસમો ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યા હતા. આ બાબતની જાણ થતા ખાણ-ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સપેક્ટર ધવલભાઈ સતપૂતે સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી સપાટો બોલાવ્યો હતો. જ્યાં મહી નદીના કાંઠેથી ખનન માફીયા ઈસમોના ત્રણ મોટા વાહનોને જપ્ત કર્યા હતા. જેમાં એક લોડર અને 2 ડમ્પર જપ્ત કરાયા છે. આ વાહનોની અંદાજીત 40 લાખ ઉપરાંતની કિંમત ગણી અને જપ્તીમાં લેવાયા છે. તો આ તરફ ત્રણેય વાહનો ગેરકાયદેસર ખનનમાં જોડાયેલા હોય, તેનો અંદાજે 5 લાખ જેટલો દંડ ફટકારવાની તજવીજ હાથ ધરાઈ છે. તો બીજીતરફ જે સ્થળે ખનન ચાલી રહ્યુ હતુ, ત્યાં સર્વેયરોની ટીમ દ્વારા માપણી હાથ ધરવામાં આવી છે. આ માપણીનો અંતિમ રીપોર્ટ આવ્યા બાદ ખનન માફીયાઓને કેટલો દંડ થશે, તેનો ચોક્કસ આંકડો સામે આવશે. આ તરફ ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહીથી ખનન માફીયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. તો ખાણ વિભાગના અધિકારીઓ દ્વારા અગાઉ ઠાસરા અને ગળતેશ્વરની રેતીની ક્વોરીઓમાં પણ તપાસ આદરી હતી, જે અંગે પણ કાર્યવાહી કરવાની તજવીજ ચાલી રહી છે.