Charotar

ઠાસરાના આગરવા ગામે ખેતરમાં અજાણ્યા શખ્સે ગર્ભવતી મહિલાની કુહાડીથી મોતને ઘાટ ઉતારી

ડાકોર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી, મહિલાને આઠથી નવ માસનો ગર્ભ હતો

(પ્રતિનિધિ) નડિયાદ, ઠાસરા, તા.16

ઠાસરા તાલુકાના આગરવા ગામે ખેતરમાં અજાણ્યા શખ્સે ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી છે. કુહાડી અને લાકડાના ડંડા વડે મહિલાને ખેતરમાં મારમારી મોતને ઘાટ ઉતારી દીધી છે. ડાકોર પોલીસે કુહાડી અને લાકડાનો ડંડો કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા તાલુકાના આગરવા ગામે 22 વર્ષિય નગીનભાઈ ઉર્ફે રાહુલ કનુભાઈ તળપદા રહે છે. તેઓ ડાકોરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. તેમના લગ્ન બે વર્ષ અગાઉ જ મહુધા તાલુકાના ઉદરા ગામની 20 વર્ષિય યુવતી કવિતા સાથે થયા હતા. હાલ કવિતા ગર્ભવતી છે અને 8-9 મહિનાનો તેણીને ગર્ભ છે. ગતરોજ રાહુલ ગામના છોટુભાઈ જમાદારનું ખેતર આવેલું છે ત્યાં કાકડી વિણવાની હતી. જેથી સવારના આશરે સાડા છ વાગે તે તથા તેના પિતા અને મોટોભાઈ સુરેશ ત્રણેય જણા આ ખેતરમાં કાકડી વિણવા ગયેલા હતા. કાકડી વીણી રાહુલના પીતા ડાકોર વેચવા માટે આવ્યા હતા. તો રાહુલ પણ નોકરીએ જવા નીકળી ગયો હતો. રાહુલ ઉર્ફે નગીન પોતાની નોકરીએ હતો ત્યારે તેઓના કૌટુંબિક કાકાના દીકરાએ ફોન કરી રાહુલને તાત્કાલિક ઘરે આવવા જણાવ્યું હતુ. જેથી રાહુલ નોકરીએથી તાત્કાલિક ઘરે આવી ગયો હતો. જે બાદ છોટુભાઈ જમાદારના ખેતરમાં ગયેલ હતો. ત્યાં ટોળુ જોઈ તે ચિંતામાં પ્રસરી ગયો હતો. તો બાજુમાં તેની પત્ની કવિતા સુવાડાવેલી હતી અને તેણીની મૃત હાલતમાં હતી. કવિતાને લોહી લુહાણ હાલતમાં જોઈ રાહુલ સ્તંબ્ધ થઈ ગયો હતો. તેણીના કપાળના જમણી તરફની આંખની ફરતે લોહી જામી જવાના કારણે કાળાશ પડતો ડાઘ પડી ગયેલ હતો. તેમજ માથાના ડાબી તરફ કાન પાસે મોટો ઘા (કટ માર્ક) હતો. તેમાંથી લોહી નિકળતું હતું. કવિતાની લાશ જે જગ્યાએ પડેલ તેની આજુબાજુમાં ત્યાં હાજર લોકોએ તપાસ કરતા નજીક આવેલા ઝાડ પાસે લાકડાની એક દંડો પડેલો હતો અને તેના પર લોહીના ડાઘા હતાં. તેમજ લાશની પાસે નજીકમાં એક કુહાડી પડેલી હતી. જેથી માલુમ પડેલ કે, કોઈ અજાણ્યા વ્યક્તિએ માથામાં કુહાડી જેવા તિક્ષ્ણ હથીયારથી તેમજ કપાળના ભાગે લાકડાનો દંડો મારી ગંભીર ઈજા કરી તેણીનું મોત નિપજાવેલ હોવાનું જાણવા મળ્યું હતું.

આ બનાવ મામલે ડાકોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લાકડાનો ડંડો તેમજ કુહાડી કબ્જે લઈ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નગીનભાઈ ઉર્ફે રાહુલ કનુભાઈ તળપદાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાને ઝડપી પાડવા વિવિધ દિશામાં તપાસ આરંભી છે.

Most Popular

To Top