બચાવવા ગયેલા સાસુને પણ કરંટ લાગતા સારવાર માટે ખસેડાયા


(પ્રતિનિધિ) નડિયાદ, તા.1
ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં કરંટ લાગવાની ઘટનાએ એક જ પરિવારના ત્રણ લોકોના જીવ લીધા છે. કુવાની મોટરનો કરંટ લાગવાથી માતા, પુત્ર અને પુત્રીના કમકમાટીભર્યા મોત નિપજયા છે. જ્યારે એક મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. આ બનાવ મામલે પોલીસ દોડી જઇ કાર્યવાહી આરંભી છે.
ઠાસરા તાલુકાના આગવાની મુવાડીમાં આજે ગુરુવારે માતા, પુત્ર અને પુત્રીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું છે. વીજ પુરવઠો શરૂ થતાં કુવાની મોટર ચાલુ થઇ કે નહીં તે જોવા માટે પોતાની બે વર્ષની દીકરી મીરાને લઇને ગયા હતા. આ સમયે મોટરના વાયરમાં ફાયર થયેલાં ભાગને ગીતાબેન અડી જતાં તેમને કરંટ લાગ્યો હતો અને બે વર્ષની દિકરી પણ કરંટમાં લપેટાઈ હતી. આ દરમિયાન ગીતાબેનનો 8 વર્ષનો પુત્ર દક્ષેશ પણ રડતો રડતો માતાની પાછળ ઓરડીમાં ગયો હતો અને માતાને પકડતાં તેને પણ વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતાં જ માતા અને બંને સંતાનો ત્યાં જ ઢળી પડ્યા હતા. આ બનાવમાં માતા, પુત્ર અને પુત્રીને બચાવવા જતા સાસુ લીલાબેનને પણ કરંટ લાગ્યો હતો. જેથી તેઓ ગંભીર રીતે દાઝ્યા હતા. લીલાબેન હાલ ડાકોરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટના સ્થળે પહોંચેલી ડાકોર પોલીસે પંચનામું કરી માતા, પુત્ર અને પુત્રીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો છે અને ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે.

એક્સપર્ટના ઓપીનીયન લેવાશેઃ પોલીસવડા
આ દુઃખદ ઘટના સંદર્ભે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, સૌપ્રથમ નાની દીકરીને કરંટ લાગ્યો હતો અને એ બાદ તેણીની માતા અને પુત્રને, હાલ સ્થાનિક ડાકોર પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે એક્સપર્ટના ઓપીનીયન પણ લેવામાં આવશે તેમ જણાવ્યું છે.