Vadodara

ઠંડીનું જોર થોડું ઘટ્યું લઘુત્તમ તાપમાનનો પારો શુક્રવારે 14.6°સે.નોધાયો

ગત અઠવાડિયે મંગળવારે તાપમાન 10.2તથા ગત શનિવારે 10 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચ્યું હતું

ઠંડીનું જોર ઘટતા આગામી નાતાલ પર્વની ઉજવણીમાં રાત્રે લોકો મોટી સંખ્યામાં નિકળી શકે છે

(પ્રતિનિધિ) વડોદરા તા. 20

શહેરમાં ગત અઠવાડિયે લોકોને કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો.ગત અઠવાડિયામાં મંગળવારે તાપમાનનો પારો 10.2°સે. તથા ગત શનિવારે લઘુત્તમ તાપમાન 10.0°સે.જેટલુ નીચે ગયું હતું જેના કારણે શહેરીજનો ઠુઠવાયા હતા જેની પાછળનું કારણ હિમાલય તથા હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં ભારે વર્ષા થઇ હતી જેના કારણે ઉત્તર ભારતના ઠંડા બર્ફીલા પવનો દક્ષિણ તરફ આવતા હોય ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના અન્ય રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.જ્યારે આ અઠવાડિયામાં ધીમે ધીમે ઠંડીનું જોર નરમ પડ્યું હોય તેમ જણાય છે.ગતરોજ શુક્રવારે શહેરમાં મહત્તમ તાપમાન 28.8°સે., લઘુત્તમ તાપમાન 14.6°સે. જેટલું નોંધાયું હતું જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 45% રહેવા પામ્યું હતું જેના કારણે લોકોને થોડીક રાહત થઇ હતી ખાસ કરીને લગ્નસરાની સિઝનમાં રાત્રે લગ્નમાં દૂરથી આવતા મહેમાનો વિગેરે માટે થોડી રાહત મળી છે જ્યારે બીજી તરફ વહેલી સવારે શાળાએ જતાં બાળકોને પણ થોડી રાહત થઇ છે.
ગત અઠવાડિયે ઠંડીના પ્રકોપને કારણે રાત્રીના સમયે રસ્તાઓ સૂમસામ ભાસતા થયા હતા તથા વહેલી સવારની શાળાઓમાં વિધ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી પરંતુ આ અઠવાડિયામાં ઠંડીનું જોર ધીમે ધીમે ઘટ્યું છે જેના કારણે શહેરીજનો થોડીક રાહત અનુભવી રહ્યા છે જો કે આગામી 25ડિસેમ્બર બાદ 31મી સુધી ગુજરાતમાં માવઠું થવાની શક્યતા પણ સેવાઇ રહી છે અને હજી ફરીવાર શીતલહેર જોવા મળી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top