પૂરી – ગાંધીધામ એક્સપ્રેસ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરી બિનવારસી ડ્રગ્સ કબજે કર્યું; આરોપીઓની શોધખોળ શરૂ
વડોદરા:
ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે વડોદરા પશ્ચિમ રેલવે પોલીસે કેફી દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે ચલાવેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. વડોદરા રેલવે સ્ટેશન પર આવેલી પૂરી – ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી રેલવે પોલીસે 20.975 kg બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત આશરે 10.48 લાખ હોવાનું અંદાજવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, પશ્ચિમ રેલવે પોલીસની ટીમ સ્ટેશન પર પેટ્રોલિંગ અને શંકાસ્પદ વસ્તુઓનું ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન પુરીથી ગાંધીધામ તરફ જતી એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરતા બિનવારસી હાલતમાં પડેલો નશીલા પદાર્થનો આ મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા તે ગાંજો હોવાનું માલુમ પડ્યું હતું.
આ કેસની ગંભીરતાને જોતા રેલવે SOG અને NDPS ડેડીકેટેડ ટીમ દ્વારા સંયુક્ત રીતે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ જથ્થો કોણે મોકલ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
રેલવે પોલીસની આ સતર્ક કામગીરીને કારણે લાખોની કિંમતનો નશીલો પદાર્થ ગુજરાતના શહેરોમાં પહોંચતા પહેલા જ જપ્ત કરી લેવામાં આવ્યો છે.