વિશ્વાસ જીત્યા બાદ ઠગે પાણીમાં નશીલો પદાર્થ આપ્યો, બંને બેભાન
એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડી, મોબાઇલ સિમ કાર્ડ કાઢી પર્સ લઈને ફરાર
વડોદરા, તા. 29:
ટ્રેન મુસાફરી દરમિયાન નશીલો પદાર્થ પીવડાવી ચોરી કરવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. સુરતમાં રહેતા સીરાજુલ ઇસ્લામ શેખ પોતાના પિતાને વતન મોકલવા જતા હતા ત્યારે અજાણ્યા શખ્સે વિશ્વાસ જીત્યા બાદ બંનેને બેભાન બનાવી રૂપિયા અને સામાનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ સુરતમાં રહેતા સીરાજુલ ઇસ્લામ શેખ પોતાના પિતાને વડોદરા રેલવે સ્ટેશન પરથી અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં બેસાડી રહ્યા હતા. ટ્રેન ઉપડ્યા બાદ થોડા જ સમયમાં એક અજાણ્યો શખ્સ તેમની સામેની સીટ પર આવી બેઠો હતો અને મીઠી વાતો કરીને પિતા-પુત્રનો વિશ્વાસ જીત્યો હતો.
થોડીવાર બાદ ગઠિયાએ પાણી પીવાનું કહી બોટલ આપી હતી. પિતાએ પાણી પીધા બાદ સીરાજુલએ પણ થોડું પાણી પી લીધું હતું. પાણી પીતા જ થોડા સમયમાં બંનેને ચક્કર આવવા લાગ્યા અને તેઓ બેભાન થઈ ગયા હતા.
પછી હોશમાં આવતા તેમને ખબર પડી કે આરોપી તેમની મોબાઇલમાંથી બંને સિમ કાર્ડ કાઢી ગયો હતો તેમજ પેન્ટના ખિસ્સામાંથી પર્સ પણ ચોરી લઈ ગયો હતો. પર્સમાં એટીએમ કાર્ડ, ટ્રેન ટિકિટ અને રૂ. 2500 રોકડ રકમ હતી.
આરોપીએ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા આશરે રૂ.1.20 લાખ ઉપાડી લીધા હતા. આમ કુલ મળીને અંદાજે રૂ.1,22,500ની ચોરી કરવામાં આવી હતી.
ફરિયાદી સીરાજુલ ઇસ્લામ શેખના જણાવ્યા મુજબ, આરોપી આશરે 35થી 40 વર્ષની ઉંમરનો હતો, લાલ-આસમાની રંગની ટી-શર્ટ અને કાળા રંગની પેન્ટ પહેરેલી હતી તથા મજબૂત શરીરનો હતો.
ઘટના અંગે સીરાજુલ ઇસ્લામે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.