વડોદરા: પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ટ્રોલી બેગમાંથી 9.219 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો, પોલીસને જોઈ કેરિયર ગાંજો ભરેલી બેગ બિનવારસી હાલતમાં મૂકી ફરાર
પ્રતિનિધિ વડોદરા તારીખ 27
પશ્ચિમ રેલવેમાં દોડતી ટ્રેનોની અંદર ટ્રક ગાંજા અને દારૂ સહિતના નશીલા પદાર્થની હેરાફેરી થતી હોય રેલવે નાયબ પોલીસ મહા નિરીક્ષક દ્વારા આ હેરાફેરીને ઝડપી પાડવા માટેની સૂચના અપાઈ હતી. ત્યારે એસઓજી પોલીસ દ્વારા પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી રૂ.92 હજારનો 9.219 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી ઝડપી પાડ્યો હતો. પોલીસને જોઈને કેરિયર ગાર્ડ બ્રેક અને જનરલ ડબ્બાના કોરીડોરમાં ગાંજો ભરેલી ટ્રોલી બેગ બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હોય પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઈ છે.
પશ્ચિમ રેલવેમાં દોડી રહેલી ટ્રેનોમાં બૂટલેગરો તથા કેરિયરો નશીલા પદાર્થ જેવા કે એમડી ડ્રગ્સ, ગાંજો અને દારૂની હેરફેરી કરતા હોય છે. ત્યારે આ નશા યુક્ત વસ્તુની હેરફેરી બંધ થાય તેના માટે નાયબ પોલીસ મહા નિરીક્ષક સરોજ કુમારીએ પશ્ચિમ રેલવે વડોદરાએ સતત કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જેના આધારે એસઓજી એનડીપીએસ ડેડિકેટેડ ટીમ વડોદરા કેમ્પ સુરતના એ એસ આઈ દિનેશજી પરથીજી અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ સોમાભાઇ 26 જૂનના રોજના ઉધના રેલ્વે સ્ટેશનથી પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલીંગ કરીને વડોદરા તરફ આવી રહ્યા હતા. દરમિયાન મિયાગામ કરજણ રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ આગળના ભાગે આવેલા ગાર્ડ બ્રેક અને જનરલ ડબ્બાના કોરીડોરમાં એક ગ્રે કલરની ટ્રોલી બેગ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેના પર પોલીસ કર્મચારીઓને શંકા જતા ટ્રોલી બેગમાંથી તપાસ કરી હતી ત્યારે તેમાંથી રૂા.92 હજારનો 9.219 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો જથ્થો બેગ સાથે કબ્જે કર્યો હતો. પરંતુ ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરનાર કેરિયર પોલીસને જોઈને ગાંજો ભરેલી બેગ બિનવારસી મૂકીને ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ દ્વારા આ ફરાર થઈ ગયેલા કેરિયરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.