ભીડ ઘટાડવા રેલવેની રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજનાની જાહેરાત :
બેઝિક રિટર્ન જર્ની ભાડા પર 20% ડિસ્કાઉન્ટ રજૂ કર્યું :
બુકિંગ 14 ઓગસ્ટથી શરૂ થશે અને આગળની મુસાફરી 13 થી 26 ઓક્ટોબર સુધી ચાલશે :
( પ્રતિનિધી )વડોદરા,તા.9
ભારતીય રેલ્વેએ ભીડ ટાળવા, મુશ્કેલી મુક્ત બુકિંગ તેમજ મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો કરી રહી છે. તહેવારોની મોસમ દરમિયાન ભીડ ઘટાડવા અને ખાસ ટ્રેનો સહિતની ટ્રેનોનો દ્વિ-માર્ગી ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે, કન્સેશનલ ભાડા પર રાઉન્ડ ટ્રીપ પેકેજ નામની પાયલોટ યોજના તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવેએ મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે રાઉન્ડ ટ્રીપ પેકેજ યોજનાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ નિર્ધારિત સમય મર્યાદામાં પરત ફરતી વખતે બુક કરાવનારા મુસાફરોને રિટર્ન ટિકિટના મૂળ ભાડા ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ યોજના આગામી 14 ઓગસ્ટ થી શરૂ થશે. જેમાં પહેલી મુસાફરી ઓનવર્ડ જર્ની માટે ટિકિટ 13 ઓક્ટોબર થી 26 ઓક્ટોબર 2025 ની વચ્ચેની તારીખ માટે બુક કરાવવાની રહેશે. આ પછી કનેક્ટિંગ જર્ની ફિચર દ્વારા 17 નવેમ્બર 2025 થી 1 ડિસેમ્બર 2025 ની વચ્ચેની તારીખ માટે રિટર્ન ટિકિટ બુક કરાવી શકાશે. આ યોજનામાં ડિસ્કાઉન્ટ ત્યારે જ મળશે. જ્યારે બંને બાજુને ટિકિટ એક જ મુસાફરોના નામે કન્ફર્મ થશે. રિટર્ન ટિકિટ બુક કરાવવા માટે એડવાન્સ રિચર્વેશન સમયગાળો લાગુ થશે નહીં. રિટર્ન જર્ની ના બેઝ ફેયર પર જ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. રેલવે દ્વારા આ યોજના પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવી છે. જેથી તહેવારોની મોસમ દરમિયાન બંને બાજુ ટ્રેનોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય. નોંધનીય છે કે, રેલવેએ તહેવારોની મોસમ દરમિયાન ભીડનું સંચાલન કરવા અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે આ યોજનાની જાહેરાત કરી છે.