Vadodara

ટ્રી હાઉસ હાઈસ્કૂલ વિવાદ : 2017માં પણ મુંબઈમાં 5.90 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો હતો

ટ્રી હાઉસ હાઇસ્કૂલનો માલિક રાજેશ ભાટીયા હજુ પણ ફરાર, બે આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલી ટ્રી હાઉસ હાઇસ્કૂલ એકવાર ફરી વિવાદમાં આવી છે. તાજેતરમાં, 18 કરોડ રૂપિયાની રકમ ચૂકવાયા બાદ પણ સ્કૂલનો કબજો ન કરતા, આ મામલે લેન્‍ડ ગ્રેબિંગ, વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. આ કેસમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે 10 આરોપીઓ પૈકી 2ની ધરપકડ કરી લીધી છે અને અન્ય સામે તપાસ શરૂ કરી છે. જોકે, ટ્રી હાઉસ હાઈસ્કૂલના મૂળ માલિક રાજેશ ભાટીયા હજુ પણ ફરાર છે. પોલીસ દ્વારા રાજેશ ભાટીયાની શોધખોળ ચાલુ છે અને તેની ધરપકડ માટે કાર્યવાહી ચાલી રહી છે.

આ પહેલીવાર નથી જ્યારે ટ્રી હાઉસ હાઇસ્કૂલ વિવાદમાં આવી છે. વર્ષ 2017માં પણ રાજેશ ભાટીયા સામે મુંબઈમાં રૂ. 5.90 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. કોલકાતા સ્થિત એક રોકાણ કંપની દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં ખોટા નાણાકીય નિવેદનો બનાવી BSE/NSE જેવા અધિકારીઓને સબમિટ કરીને, કંપનીની વેબસાઇટ અને વાર્ષિક અહેવાલમાં ભ્રામક માહિતી આપી છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ હતો. આટલું જ નહીં, ટ્રી હાઉસ એજ્યુકેશન લિમિટેડ નામની કંપની પર પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને રોકાણકારોને છેતરવાનો આરોપ લાગ્યો હતો. મુંબઈમાં નોંધાયેલા કેસમાં પણ રાજેશ ભાટીયા ફરાર જ હતો.

ટ્રી હાઉસ હાઈસ્કૂલની જગ્યાનો સોદો 18 કરોડમાં થયો હતો, જેમાં ખરીદદાર પક્ષે સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હોવા છતાં, સ્કૂલના કબ્જો સોંપવામાં આવ્યું નથી. ખરીદનાર પક્ષે આ બાબતને લઈને વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 10 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જેમાં 2ની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓ પર પણ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

પોલીસે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેમાં ટ્રી હાઉસ હાઈસ્કૂલ અને તેના માલિક રાજેશ ભાટીયા દ્વારા થયેલા આર્થિક લેવડ-દેવડના દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે. હજુ પણ કેટલાક મહત્વના સાક્ષી અને દસ્તાવેજોની તપાસ ચાલી રહી છે, અને પોલીસ દ્વારા વધુ આરોપીઓની ધરપકડની શક્યતા છે. અત્યાર સુધીમાં આ કેસમાં માત્ર બે આરોપીઓ પકડાઈ ચુક્યા છે, જ્યારે મુખ્ય આરોપી રાજેશ ભાટીયા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જો પોલીસ તેને ઝડપી શકે તો આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.


ટ્રી હાઉસ હાઈસ્કૂલ સાથે સંકળાયેલા રોકાણકારો માટે ચેતવણીરૂપ કિસ્સો

ટ્રી હાઉસ હાઈસ્કૂલ અને તેની પેરન્ટ કંપની સાથે સંકળાયેલા અનેક શાળાઓ અને રોકાણકારો માટે પણ આ કેસ એક ચેતવણીરૂપ છે. આ અગાઉ પણ કંપની સામે શૈક્ષણિક વ્યવસાયમાં ગેરરીતિ અને આર્થિક છેતરપિંડીના આરોપ લાગ્યા છે, અને જો આ કેસમાં રાજેશ ભાટીયાની ધરપકડ થાય, તો આ સમગ્ર ઘટનાક્રમમાં વધુ ખુલાસા થઈ શકે છે.

Most Popular

To Top