પતિને આઇ.પી.સી. ની કલમ 498(ક) મુજબના ગુનામાં એક વર્ષની સાદી કેદનો હૂકમ
મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનુ રક્ષણ) અધિનિયમ 2019 ની કલમ 3,4 મુજબના શિક્ષાપત્ર ગુના માટે ક્રિમીનલ પ્રોસિજર કોડની કલમ 248(2) અનન્વયે એક વર્ષની સાદી કેદનો હૂકમ કર્યો હતો. આમ બંન્ને સજા એકસાથે ભોગવવાનો હૂકમ કરાયો છે

(પ્રતિનિધિ) હાલોલ/વડોદરા તા.15
હાલોલ કોર્ટ દ્વારા તા.10/09/2025 ના રોજ સમાજમાં દાખલરૂપ ખૂબ જ ચર્ચિત ત્રિપલ તલ્લાક અંગેના કેસમાં ચુકાદો આપવામાં આવ્યો છે જે મુજબ હાલોલની ફરિયાદી મુસ્લિમ મહિલાએ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી પતિ મોઈન શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા) (૨) સસરા શબ્બીર ઇબ્રાહિમ બાગવાલા (ફ્રૂટવાલા) (૩) સાસુ રશ્મિ શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા) (૪) ફરીદા મુસ્તુફા નાથાનાઑ વિરુધ્ધ વર્ષ ૨૦૨૩ માં ફરિયાદીબાઈને જાહેરમાં કાયદા વિરુધ્ધનો ત્રણ વાર તલ્લાક…….તલ્લાક………તલ્લાક….. શબ્દ ઉચ્ચારી ગેરકાયદેસર તલ્લાક આપેલાની ફરિયાદ કરવામાં આવી હતી જેમાં હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ કામે ગુન્હો નોધી મુસ્લીમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ 2819 ની કલમ 3,4 તથા આઈ.પી.સી. ની કલમ 498 (ક) તથા 114 મુજબની એફ.આઈ.આર. નોધવામાં આવી હતી.આ ગુનાના કામે તપાસ પૂર્ણ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી અને આ કામે ફરિયાદી મહિલા તરફે સરકારી વકીલ એન.એચ. પટેલનાઓ તથા વીથ પ્રોસિક્યુશન વકીલ સલમાન એમ. મકરાણી હાજર રહ્યા હતા સમગ્ર ટ્રાયલ ચાલી જતાં સદરહુ ગુનામાં હાલોલના જ્યુ. ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના ઓએ તા.10-09-2025 ના રોજ ઐતિહાસિક ચૂકાદો આપી ચુકાદામાં હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટના જજ્મેંટોનો તેમજ કુરાન શરીફમાં તલાક અંગે જણાવવામાં આવેલ સાચા કથનો પોતાના જજમેંટમાં ટાંકયા હતા.
બનાવની ટૂંકી વિગત મુજબ,આ કામના ફરિયાદી મહિલાના નિકાહ તેઓના મુસ્લીમ ધર્મના રીત રીવાજ મુજબ આરોપી પતિ મોઈન શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા) રહે : હાલોલનાઓ સાથે થયા હતા.નિકાહ બાદ ફરિયાદી મહિલા તમામ સાસરિયાઓ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી આરોપી પતિ મોઈન શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા) (2) સસરા શબ્બીર ઇબ્રાહિમ બાગવાલા (ફ્રૂટવાલા) (3) સાસુ રશ્મિ શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા) (4) ફરીદા મુસ્તુફા ફરિયાદીને “તું કાઇ કામ કરતી નથી બેસી રહે છે અમારા ઘરમાં શોભતી નથી તારા બાપના ઘરે જતી રહે” તેમ કહી મેણાં ટોણાં મારી શારીરિક – માનસિક ત્રાસ આપતા હોય ફરિયાદી પોતાના પિયરમાં જતાં રહ્યાં હતાં. ત્યારબાદ આરોપી મોઈન શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા) કહેતા કે “તું અમારા લેવલની નથી, અમારામાં શોભે તેમ નથી” તેવું કહી પત્નીને બધાની હાજરીમાં ત્રણ વખત તલ્લાક…….તલ્લાક………તલ્લાક… બોલી તલ્લાક આપી તમામ આરોપીઑએ, ગુનામાં એકબીજાને મદદગારી કરી હતી, મુસ્લીમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ 2819 ની કલમ 3,4 તથા આઈ.પી.સી. ની કલમ 498 (ક) તથા 114મુજબનો ગુનો કરેલ હોઇ સમગ્ર મામલે તપાસના આધારે લાગતા વળગતા સાહેદોના નિવેદનો લઈ આરોપી સામે પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ફરિયાદી તરફે સરકારી વકીલ એન.એચ. પટેલનાઓ તથા વીથ પ્રોસિક્યુશન વકીલ સલમાન એમ. મકરાણીની ધારદાર દલીલોને નામદાર કોર્ટે ગ્રાહય રાખી આઈ.પી.સી. ની કલમ 498 (ક) મુજબના ગુનામાં આરોપી પતિ મોઈન શબ્બીર બાગવાલા ફ્રૂટવાલાને એક વર્ષની સાદી કેદની સજા તથા મુસ્લીમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ ) અધિનિયમ 2019ની કલમ 3,4 મુજબના શિક્ષાપાત્ર ગુના માટે ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 248 (2) અન્વયે એક વર્ષની સાદી કેદનો હૂકમ કર્યો હતો તેમજ આરોપી પતિ મોઈન શબ્બીર બાગવાલા (ફ્રૂટવાલા)ને બન્નેવ સજા એક સાથે ભોગવવાનો હૂકમ કરવામાં આવ્યો છે.
ટ્રિપલ તલાક મામલે કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં પીડિત યુવતીને ન્યાય અપાવ્યો છે. અદાલતે જણાવ્યું કે ટ્રિપલ તલાક બંધારણીય મૂલ્યોના વિરોધમાં છે અને સ્ત્રીની અસ્મિતા પર ઘા કરે છે. કોર્ટના આ નિર્ણય બાદ મહિલા સંગઠનો અને કાયદા નિષ્ણાતોએ તેને નારી ન્યાય માટે ઐતિહાસિક ગણાવ્યો છે. તેઓનું માનવું છે કે આ ચુકાદો માત્ર એક યુવતી માટે નહિ પરંતુ સમગ્ર સમાજની સ્ત્રીઓ માટે મજબૂત સંદેશ છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું કે, હવે કોઈપણ પરિસ્થિતિમાં ટ્રિપલ તલાકને કાયદેસર માન્યતા નથી અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.આ ચુકાદા બાદ પીડિતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે અને જણાવ્યું કે “અદાલતે અમારા વિશ્વાસને જીવંત રાખ્યો.”