Vadodara

ટ્રાફિક સિગ્નલ બંધ, એસી હેલ્મેટધારી જવાનો ગાયબ, અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા પર ટ્રાફિક જામ


યાત્રીઓ અને વાહનચાલકોએ ગરમીમાં આફતનો સામનો કરવો પડ્યો

વડોદરા : શહેરના અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા પર બપોરના સમયે (1 થી 4 વાગ્યા સુધી) ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાના નિર્ણયને કારણે વાહનચાલકોને સિગ્નલ પર ઊભા રહેવાની ગરમીમાંથી રાહત મળે તેવી ગણતરી હતી, પરંતુ આ નિર્ણય એક ગંભીર ટ્રાફિક સમસ્યામાં ફેરવાયો હતો. સિગ્નલ બંધ હોવાના કારણે અને એસી હેલ્મેટથી સજ્જ ટ્રાફિક જવાનો પણ બપોરના સમયે ગાયબ થતા, વાહનચાલકોને રાહતની જગ્યાએ ટ્રાફિક જામની આફતનો સામનો કરવો પડ્યો હતો.

અડધો કિલોમીટર સુધી ફેલાયેલા જામમાં સરકારી બસો અને દ્વિચક્રી વાહનોના ચાલકો ગરમીમાં સેકાયા હતા. સરકારી બસમાં એસી ન હોવાના કારણે મુસાફરોને પણ ગરમીની આફતનો સામનો કરવો પડ્યો હતો. ટ્રાફિક જામમાં ફસાયેલા વાહનચાલકોએ હેરાન પરેશાન થઈ ગયા હતા. બપોરના સમયે ટ્રાફિક જવાનોની ગેરહાજરી અને સિગ્નલની બંધગાળામાં યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા ગૂંચવાઈ ગઈ હતી.

ટ્રાફિક પોલીસે વાહનચાલકોને ગરમીમાં રાહત આપવા માટે એસી હેલ્મેટ આપ્યા હતા, જેથી તેઓ બપોરના સમયે પણ ફરજ નિભાવી શકે, પરંતુ સિગ્નલ બંધ અને જવાનોની ગેરહાજરીના સંયોગે વાહનચાલકોને આફતનો સામનો કરવો પડ્યો. આ ઘટનાએ શહેરના ટ્રાફિક વ્યવસ્થાપન પર સવાલ ઊભા કર્યા છે.

Most Popular

To Top