SURAT

ટ્રાફિક વચ્ચે સપનાઓને મળશે સુરક્ષિત માર્ગ,પરીક્ષા દિવસે પોલીસ બનશે વિદ્યાર્થીઓની ‘સારથિ’

સુરત શહેરના બોર્ડ પરીક્ષાર્થીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને Surat Police દ્વારા ‘સુરક્ષા કવચ’ નામે વિશેષ પ્લાન અમલમાં મૂકાયો છે. પરીક્ષાના તણાવ વચ્ચે ટ્રાફિકની સમસ્યા વિદ્યાર્થીઓના સપનાઓમાં અવરોધ ન બને, તે માટે આ પહેલ હાથ ધરાઈ છે.

શહેરમાં મેટ્રો પ્રોજેક્ટનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું હોવાથી ઘણા મુખ્ય રસ્તાઓ પર ડાયવર્ઝન અને સાંકડા માર્ગોની સ્થિતિ છે. ખાસ કરીને Varachha, Adajan અને Majura Gate વિસ્તારમાં ટ્રાફિકનું દબાણ વધી રહ્યું છે.આવી પરિસ્થિતિમાં પરીક્ષાર્થીઓ સમયસર સેન્ટર સુધી પહોંચી શકે તે માટે 80થી વધુ ટ્રાફિક જવાનોને સ્પેશિયલ ડ્યુટી પર મુકવામાં આવ્યા છે.માત્ર ટ્રાફિક સંચાલન જ નહીં, પરંતુ ઈમરજન્સી સહાય માટે 40 જેટલા ટુ-વ્હીલર અને પીસીઆર વાહનો પણ ફિલ્ડમાં તૈયાર રાખવામાં આવ્યા છે. જો કોઈ વિદ્યાર્થીનું વાહન રસ્તામાં બગડી જાય, પંચર પડે કે ટ્રાફિકમાં ફસાઈ જાય, તો નજીકના પોલીસ જવાનનો સંપર્ક કરી શકશે. જરૂર પડશે તો પોલીસ જ પોતે વિદ્યાર્થીને પોતાની ગાડીમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડશે, સાચા અર્થમાં ‘સારથિ’ બનીને.

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ હેલ્પલાઇન નંબર 74340 95555 જાહેર કરવામાં આવ્યો છે. જો આ નંબર વ્યસ્ત હોય તો 100 અથવા 112 પર પણ તાત્કાલિક સંપર્ક કરી શકાય છે. કંટ્રોલ રૂમથી નજીકના પોલીસ જવાનને તરત જ મોકલી મદદ પહોંચાડવામાં આવશે.આ સાથે જ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સંવેદનશીલ વ્યવસ્થા પણ ગોઠવાઈ છે. સુરત પોલીસનો આ ‘સુરક્ષા કવચ’ પ્લાન માત્ર વ્યવસ્થા નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સપનાઓની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા છે.

Most Popular

To Top