Vadodara

ટ્રાફિકનું ભારણ ઘટાડવા વડોદરાના 52 જંકશનો પર “નો પાર્કિંગ ઝોન”ના બોર્ડ લાગ્યા

શહેરના 36 અને 40 મીટર રીંગ રોડના 31 જંકશનો પર પાલિકાએ બોર્ડ લગાવ્યા

શહેરના બાકીના જંકશનો પર બોર્ડ લગાવવાનું ટૂંક સમયમાં કાર્ય પૂર્ણ થશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વધતા ટ્રાફિકના દબાણને ઘટાડવા અને અકસ્માતો અટકાવવા માટે શહેરના મુખ્ય જંકશનો ઉપર “નો પાર્કિંગ ઝોન”ના બોર્ડ લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. શરૂઆતના તબક્કામાં 36 મીટર અને 40 મીટર રીંગ રોડ ઉપર આવેલા કુલ 31 જંકશનો પર “નો પાર્કિંગ ઝોન”ના બોર્ડ લગાવવામાં આવ્યા છે. પાલિકા દ્વારા મળેલી માહિતી મુજબ, શહેરના કુલ 52 જંકશનોને આ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે. દરેક જંકશનના આજુબાજુ 30 મીટર અંતરે વાહનો પાર્ક ન થાય તે માટે “નો પાર્કિંગ”ના નિર્દેશબોર્ડ લગાવવામાં આવી રહ્યા છે. આ પગલાનો હેતુ ટ્રાફિકની સરળીકરણ સાથે માર્ગો પર થતી અવરજવર વધુ સરળ બનાવવાનો છે. પાલિકાના ઈજનેરી વિભાગના જણાવ્યા મુજબ, અયોગ્ય રીતે પાર્ક થયેલા વાહનોને કારણે જંક્શન પર ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવોમાં વધારો થતો હતો. હવે “નો પાર્કિંગ ઝોન” અમલમાં આવતા આ સમસ્યાઓમાં રાહત મળશે એવી અપેક્ષા છે.

આગામી દિવસોમાં શહેરના અન્ય મુખ્ય જંકશનો પર પણ 30 મીટર અંતર સુધી “નો પાર્કિંગ ઝોન”ના બોર્ડ લગાડવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. આ સાથે જ પાલિકા દબાણ અને ટ્રાફિક શાખા દ્વારા આવા જંક્શનો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. પાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ જાહેર માર્ગો પર અને ખાસ કરીને જંકશન નજીક વાહનો પાર્ક ન કરે જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને અકસ્માતના બનાવો અટકાવી શકાય.

Most Popular

To Top