લંડન જવા માટે કુલ ખર્ચ ₹20 લાખ થશે તેમ જણાવતા શરુઆતમાં 1.50 લાખ તથા ત્યારબાદ તબક્કાવાર નાણાં આપવા છતાં વિઝા કે નાણાં ન આપ્યા અને ઓફીસ બંધ કરી દીધી
ગોત્રીમા સ્ટુડન્ટસ વિઝા અને વર્કપરમીટ વિઝાની ઓફીસ ખોલી લેભાગુ ટોળકીના સભ્યોએ છેતરપિંડી આચરી
મૂળ કરજણ ખાતે રહેતા અને માંજલપુરમા નોકરી કરતા યુવાન લંડન જવા માટે વર્ક પરમીટ વિઝા માટે ગોત્રી ખાતે આવેલા ઇન્સાઇન કોમ્પલેક્ષમા ટ્રાઇડેન્ટ ઓવરસીસ એન્ડ એકેડમી નામની ઓફિસના સંચાલકોના પરિચયમાં આવ્યો હતો જ્યાં તેને લંડન જવા તથા વર્કપરમીટ વિઝાના ખર્ચ તરીકે કુલ ₹ 20 લાખની માંગણી કરવામાં આવી હતી તેની સામે યુવકે તબક્કાવાર કુલ 14,65,000 આપ્યા બાદ પણ વિઝા તથા નાણાં પરત ન આપી ઓફિસને તાળું મારી વિશ્વાસઘાત કરેલ જે અંગેની ફરિયાદ ના આધારે ગોત્રી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, કરજણનાનવાબજાર, ભક્તિનગર મ.નં.27 માં રહેતા જય દર્શકકુમાર શાંતિલાલ પટેલ (ઉ.વ.24) પોતાના પરિવાર સાથે રહે છે અને માંજલપુર ખાતે આવેલી કોચર કંપનીમાં કસ્ટમર એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે. જયના પિતા એકાદ વર્ષ અગાઉ ગોત્રી સ્થિત ઇન્સાઇન કોમ્પલેક્ષમા ટ્રાઇડેન્ટ ઓવરસીસ એન્ડ એકેડમીમા વિદેશ જવા માટે પ્રોસેસ થાય છે તે રીતે જાણતા હોઇ પુત્રને લંડન જવાનું હોવાથી જય તથા તેના પિતાએ ફેબ્રુઆરી-2022માં આ ઓફિસમાં કરણ પંડ્યા તથા તેમના પિતા મનોજ પંડ્યાને મળતા તેઓએ જણાવેલ કે લંડન જવા માટે ₹20 લાખનો ખર્ચ થશે જેથી શરુઆતમાં ₹ 1,50,000 આપવા પડશે અને વિઝા આવ્યા બાદ તેને ઇન્ટરવ્યૂ આપવો પડશે તેમ જણાવતા જય પટેલે ઇન્ટરવ્યુ પાસ કરેલ ત્યારબાદ લેટર મંગાવવો પડશે તેમ જણાવી રૂપિયા ત્રણ લાખ જેથી જય પટેલે તા. 01 જાન્યુઆરી,2023માં કરણ પંડ્યાના એકાઉન્ટમાં ત્રણ લાખ જમા કરાવેલ, ત્યારબાદ મેડીકલ રિપોર્ટ મોડો આવતા ફાઇલ માટે કરણ પંડ્યાએ દસ લાખ રૂપિયા આપવા માટે જણાવતા જય પટેલે 03 ઓગસ્ટ,2023 ના રોજ રૂપિયા 5લાખ કરણ પંડ્યાના ખાતામાં જમા કરાવેલ અને બીજા પાંચ લાખ તા.7 ઓગસ્ટ,2023 ના રોજ તેની ઓફિસે કરણ પંડ્યા તથા તેના પિતા મનોજ પંડ્યા ઓફિસે હાજર હોય મનોજભાઈ પંડ્યાને આપેલ જેની સિક્યુરિટી પેટે કરણ પંડ્યાએ એચ.ડી.એફ.સી.બેન્કનો રૂપિયા પાંચ લાખનો 03-11-2023 નો ચેક જય પટેલને આપ્યો હતો પરંતુ ત્યારબાદ પણ જય પટેલના વિઝા આવેલ નહીં જેથી જય પટેલે અવારનવાર વિઝા બાબતે પૂછતાં હજી મેલ આવ્યો નથી તેમ જણાવી ગલ્લાતલ્લા કરતાં આથી જય પટેલે રૂપિયા પરત માંગતા ખોટા વાયદાઓ કરતાં. બાદમાં ગોત્રી ખાતેની ઓફીસ બંધ કરી દેતાં આખરે જય પટેલે મનોજ પંડ્યાના આણંદના સરનામે ઘરે જ ઇ પૂછતાં મનોજ પંડ્યાએ જણાવેલ કે કરણ પંડ્યા ઘરે આવતો નથી ત્યારે જય પટેલે તપાસ કરતાં જય સિવાય પણ વાઘોડિયારોડ ના અન્ય એક વ્યક્તિ પણ આ લોકોનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યુ હતું જેથી જય પટેલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં મનોજકુમાર પંડ્યા તથા કરણ પંડ્યા વિરુદ્ધ ₹ 14,65,000 ની છેતરપિંડી, વિશ્વાસઘાત ની ફરિયાદ નોંધાવતાં ગોત્રી પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.