આર.સી.સી. રોડ અને સામુહિક શૌચાલયના કામની બિલ પ્રક્રિયા બદલ ₹30,000ની માંગણી, એસીબીની સફળ ટ્રેપ
| ગુજરાત મિત્ર ન્યુઝ, ઝાલોદ
ઝાલોદ તાલુકામાં ભ્રષ્ટાચાર સામે ફરી એકવાર ટોલ ફ્રી–1064 અસરકારક સાબિત થયું છે. ઢઢેલા અને ઇંટા ગામ ખાતે આર.સી.સી. રોડ તથા સામુહિક શૌચાલયની કામગીરી પૂર્ણ થયા બાદ બિલ પ્રક્રિયા આગળ વધારવા માટે લાંચ માગવાના કેસમાં મહીસાગર એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ગોઠવાયેલા ટ્રેપમાં તલાટી કમમંત્રીને રૂ.5,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે.
આ કેસમાં આરોપી તરીકે અભિનંદન સંજયકુમાર પરમાર (ઉ.વ. 32), ધંધો – તલાટી કમમંત્રી, ઢઢેલા–ઇટાવા ગ્રામ પંચાયત વર્ગ–3, તા. ઝાલોદ, જી. દાહોદ (હાલ રહે. માળીની વાડી, ઝાલોદ; મૂળ વતન – પિલુચા, તા. વડગામ, જી. બનાસકાંઠા) સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.
ફરીયાદ મુજબ સને 2024માં ઢઢેલા તથા ઇંટા ગામમાં આર.સી.સી. રોડ અને સામુહિક શૌચાલયના કામને વહીવટી મંજૂરી મળેલી હતી. કામ પૂર્ણ થયા બાદ સી.સી. ફોર્મ ભરવું, આગળની બિલો મંજૂર કરાવવી અને અન્ય કાર્યવાહી પૂર્ણ કરાવવા બદલ આરોપીએ ફરીયાદી પાસેથી કુલ રૂ. 30,000ની લાંચ માગી હતી.
આક્ષેપ મુજબ આરોપીએ અગાઉ તૂટક-તૂટક રોકડમાં રૂ. 17,500 અને રૂ. 2,000 લીધા હતા. એટલું જ નહીં, ફોન દ્વારા રૂ. 2,500 અને રૂ. 500 ઓનલાઇન ટ્રાન્સફરની પણ માગણી કરી હતી. બાદમાં વધુ રૂ. 5,000 ની માંગ થતાં ફરીયાદીએ ટોલ ફ્રી–1064 પર સંપર્ક કરી એસીબીમાં ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદના આધારે તા. 21/12/2025ના રોજ ઝાલોદ બસ સ્ટેશનના મેઈન ગેટ બહાર રોડ ઉપર ચાની લારી નજીક ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. પંચ–1ની હાજરીમાં આરોપીએ ફરીયાદી પાસેથી રૂ. 5,000ની લાંચ સ્વીકારતા જ એસીબી ટીમે તેને તરત રંગેહાથ ઝડપી લીધો. લાંચની માંગણી, સ્વીકાર અને રીકવરી—ત્રણે મુદ્દા પુરવાર થતા ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સફળ ટ્રેપ કાર્યવાહી એમ.એમ. તેજોત, પોલીસ ઇન્સ્પેક્ટર, મહીસાગર એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન બી.એમ. પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ એકમ, ગોધરા દ્વારા કરવામાં આવ્યું, જ્યારે ઇન્ચાર્જ અધિકારી તરીકે બળદેવ દેસાઈ, IPS, નાયબ નિયામક, વડોદરા રેન્જ રહ્યા હતા.
રિપોર્ટર: દક્ષેશ ચૌહાણ, ઝાલોદ