Vadodara

ટોલ ચોરી ભારે પડશે : કેન્દ્ર સરકારે મોટર વાહન નિયમોમાં કર્યો સુધારો

ફાસ્ટટેગમાં લેણી રકમ બોલતી હશે તો NOC નહિ મળે અને પરમિટ રિન્યુઅલ અટકી જશે

કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ મેળવવામાં પણ આ નિયમ અવરોધરૂપ બની શકે છે

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

કેન્દ્ર સરકારે વાહન વ્યવહાર અને ટોલ ઉઘરાવવાની પ્રક્રિયાને લઈને નિયમો વધુ કડક બનાવી રહી છે. હાઈવે પર ટોલ ટેક્સ ભરવામાં આનાકાની કરી હશે અથવા ગાડી પર ટોલની રકમ બાકી હશે, તો ભવિષ્યમાં તમારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નવા સુધારા મુજબ, ટોલની ચુકવણી બાકી હશે તો વાહનને લગતા મહત્વના દસ્તાવેજી કામો જેવા કે ટ્રાન્સફર અને ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી અટકાવી દેવામાં આવશે.

ટોલ ચોરી અટકાવવા અને સિસ્ટમને પારદર્શક બનાવવા માટે કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં સુધારો કરીને નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમ અનુસાર, જો કોઈ વાહનના ફાસ્ટટેગ એકાઉન્ટમાં અથવા મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમ પર ટોલની રકમ બાકી દર્શાવતી હશે, તો તે વાહનના માલિકને બીજા કોઈ વ્યક્તિ કે રાજ્યમાં વાહન ટ્રાન્સફર કરવા માટે એનઓસી આપવામાં આવશે નહીં. એટલું જ નહીં, વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ રિન્યૂ કરવાની પ્રક્રિયા પણ અટકાવી દેવામાં આવશે. ખાસ કરીને કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ મેળવવામાં પણ આ નિયમ અવરોધરૂપ બની શકે છે. વધુમાં, એનઓસી માટે અરજી કરતી વખતે, વાહન પર કોઈ ટોલ બાકી નથી તે જણાવવું પણ ફરજિયાત રહેશે. હવેથી જ્યારે પણ કોઈ વાહન માલિક આરટીઓમાં એનઓસી માટે અરજી કરશે, ત્યારે તેણે એ સાબિત કરવું પડશે કે તેના વાહન પર કોઈ ટોલ ટેક્સ બાકી નથી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભલે ટોલ સિસ્ટમમાં એન્ટ્રી થઈ હોય પણ પેમેન્ટ ન થયું હોય, તો તેને દેવું ગણવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય આગામી સમયમાં દેશભરમાં અડચણમુક્ત ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાનો છે. જેના માટે ડિજિટલ રિકવરી મજબૂત કરવી અનિવાર્ય છે. આ કડક પગલાંથી હવે વાહનચાલકો ટોલ ભરવા માટે વધુ શિસ્તબદ્ધ બને તેવી અપેક્ષા છે.

Most Popular

To Top