Vadodara

ટેમ્પામાં બનાવેલા અંડરગ્રાઉન્ડ ચોરખાનામાંથી રૂ. 2.95 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

બુટલેગરની અજીબ તરકીબ જોઈ પોલીસ પણ રહી ગઈ ચકિત; રૂ. 5.15 લાખનો મુદ્દામાલ કબ્જે

વડોદરા, તા. 13
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા બુટલેગરોએ પોલીસથી બચવા માટે અજીબોગરીબ કીમિયો અજમાવ્યો હતો. ટેમ્પામાં ગુપ્ત અંડરગ્રાઉન્ડ ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂ સંતાડી લઈ જવાતો હતો. પરંતુ ગ્રામ્ય એલસીબીની સતર્ક કામગીરીને કારણે આ કાવતરું નિષ્ફળ ગયું અને રૂ. 2.95 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો.

જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત ગેરકાયદે દારૂ અને નશીલા પદાર્થો સામે કાર્યવાહી ચાલી રહી છે. તે અનુસંધાને ગ્રામ્ય એલસીબી પીઆઈ કે.આર. સિસોદિયાની ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો પર નજર રાખવામાં આવી રહી હતી.

13 ફેબ્રુઆરીની રાત્રે એલસીબી ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે નંબર પ્લેટ વગરના ટેમ્પામાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂ સંતાડી દુમાડ તરફથી નમીસરા ગામ તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે લામડાપુરા કેનાલ નજીક, પેટ્રોલપંપ પાસે સાવલી-વડોદરા રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી

થોડીવારમાં બાતમીવાળું ટેમ્પો ત્યાંથી પસાર થતા પોલીસએ તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન ટેમ્પાની કેબિનમાં ડ્રાઈવર સીટની નીચે તેમજ પાછળની બોડીમાં પાર્ટિશન પાડી ગુપ્ત ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ચોરખાનું જોઈ પોલીસ પણ એક તબક્કે ચકિત રહી ગઈ હતી.

ચોરખાનું ખોલાવી તપાસ કરતા અંદરથી રૂ. 2.95 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટેમ્પો (ટાટા ACE) કિંમત રૂ. 2 લાખ, બે મોબાઇલ સાથે કુલ રૂ. 5.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે કાળુ ઉર્ફે કલ્પેશ ચીમન નાયક (રહે. ભીંડોલ, વાઘ ફળિયું, તા. જેતપુર પાવી, જી. છોટાઉદેપુર) અને અરૂણ હીરા તડવી (રહે. પાનવડ, જુના પટેલ ફળિયા, તા. કવાટ, જી. છોટાઉદેપુર)ને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંને શખ્સોએ વિદેશી દારૂ એમપી બોર્ડર નજીકથી લાવી નમીસરા ગામે રાકેશ નામના વ્યક્તિને આપવાનો હોવાનું કબૂલ્યું હતું.

આ અંગે મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને મુખ્ય બુટલેગરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top