સામાન્ય સભામાં યુનિપોલ ઇજારા મામલે સ્થાયીના સભ્યો ગોથે ચડ્યા
હાઇકોર્ટમાં પાલિકાના અધિકારીએ એફિડેવિટ પણ કરી દીધું અને સ્થાયી સમિતિ જ અજાણ !
કાઉન્સિલર આશિષ જોષીએ સામાન્ય સભામાં પોતાની વાત દરમિયાન ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, “10 ફેબ્રુઆરી 2025ના રોજ ગાંધીનગર ખાતે કાઉન્સિલરોની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી, એ જ દિવસે સાઇટમેક્સ કંપનીને શહેરમાં યુનિપોલ માટે એલોટમેન્ટ લેટર આપવામાં આવ્યો હતો. કુલ 75 યુનિપોલનો ઇજારો આ કંપનીને આપી દેવાયો હતો.” તેમણે જણાવ્યું કે, “તે સમયે ટેન્ડર પ્રક્રિયા દરમિયાન 4.85 કરોડની ઓફર કૉર્પોરેશનને મળી હતી, પરંતુ અધિકારીઓએ વધુ આવક મળશે એમ કહી રિટેન્ડર કર્યું હતું. એક વર્ષ સુધી પ્રક્રિયા આગળ ધપાવી નહોતી અને અંતે 10 ફેબ્રુઆરી 2025ના રોજ વધારાની દરખાસ્તમાં ટેન્ડર ચડાવી દેવાયું. પરંતુ વધુ આવક થવાને બદલે ઇજારો માત્ર 3.85 કરોડમાં જ સાઇટમેક્સ કંપનીને આપવામાં આવ્યો.” વધુમાં તેમણે આક્ષેપ કર્યો કે, “ટેન્ડર શરત મુજબ ઇજારદારે 10 લાખની ડિપોઝિટ તરત જમા કરવાની હતી અને પંદર દિવસમાં છ મહિનાની લાઇસન્સ ફી ભરવાની હતી, પરંતુ આજદિન સુધી ઇજારદારે આશરે 1.35 કરોડની રકમ જમા કરી નથી. છતાં કંપનીએ કામગીરી શરૂ કરી દીધી છે અને શરતોનું પાલન કર્યું નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે, “આ મામલે હાઇકોર્ટે હવે જવાબદાર લોકોના નામો માંગ્યા છે. પાલિકાના અધિકારીઓએ કોર્ટમાં એફિડેવિટ આપ્યું છે કે સપ્ટેમ્બર 2025 સુધી તત્કાલીન કમિશનર સહિત સ્થાયી સમિતિના 12 સભ્યો જવાબદાર છે. સાઇટમેક્સ પાસે 9 કરોડ લેવાના બાકી છે. હાલ કોર્ટે કહ્યું છે કે જવાબદાર અધિકારીઓ અને સભ્યોના નામ તથા તેમની ભૂમિકા વિશે સોગંદનામા આપો. તેમાં જમીન મિલકત અધિકારીએ એફિડેવિટ આપી દીધી, પરંતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ વિશે કોઈ જાણ ન હતી.”
“વોર્ડમાં લોકદરબાર યોજો તો ખબર પડે કામ કેટલા થયા છે”, નિવેદન બાદ સભામાં તનાવ
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન આજે એક સમયે ભારે તનાવ સર્જાયો હતો. કાઉન્સિલર કેયુર રોકડિયા બાદ કાઉન્સિલર આશિષ જોષીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, “દરેક વોર્ડમાં લોક દરબાર યોજો અને વોર્ડમાં જાઓ તો ખબર પડે કે કેટલા કામો થયા છે. અહીં તાળીઓ પાડો છો અને પાટલીઓ થપથપાઓ છો.” આ નિવેદન બાદ ભાજપના તમામ કાઉન્સિલરો એકસાથે ઊભા થઈ ગયા અને આશિષ જોષીના શબ્દોનો સખત વિરોધ કર્યો હતો. શાસક પક્ષના નેતા મનોજ પટેલે કહ્યું, “આવી વાત કરીને તમે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનું અપમાન કર્યું છે.” સત્તાપક્ષના કાઉન્સિલર અજીત દધીચે કહ્યું, “તમારા વિસ્તારના તમે જાતે જ કેટલાય કામોના ખાતમુહુર્ત કર્યા છે. આવી રીતે સભાને ગેરમાર્ગે ન દોરો.” કલ્પેશ પટેલ (જય રણછોડ)એ કહ્યું, “આવી રીતે સભામાં સ્ટંટ ન કરો, તમારા વિસ્તારની વાત હોય તો કરો.” મનીષ પગારે ઉમેર્યું, “તમે આજે અહીં છો તો ભાજપના લીધે જ છો.” આમ એક પછી એક ભાજપ કાઉન્સિલરોએ આશિષ જોષીનો વિરોધ કર્યો હતો.