Vadodara

ટેન્ડર વિના વેન્ડિંગ મશીન ખરીદનારા સ્વપ્નિલ શુક્લને ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલમાં હેડ બનાવાયા

વડોદરા મહાપાલિકાના ફ્યુચરિસ્ટિક સેલમાં ચાર મહિનામાં ત્રીજી વખત ફેરફાર

ફ્યુચરિસ્ટિક સેલમાં સિવિલના બદલે ઇલેક્ટ્રિકલ ઇજનેર જતન બધેકાની નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નિમણૂક

વડોદરા મહાનગરપાલિકા ખાતે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલમાં ફરી એકવાર બદલાવ કરવામાં આવ્યો છે. સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર સ્વપ્નિલ શુક્લાને આ વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે મુકવામાં આવ્યા છે. આ નિયુક્તિ ખાસ કરીને ચર્ચામાં આવી છે કારણ કે થોડા સમય પહેલા જ સ્વપ્નિલ શુક્લ ટેન્ડર વિના વેન્ડિંગ મશીન ખરીદીના મુદ્દે વિવાદમાં આવ્યા હતા. ફ્યુચરિસ્ટિક સેલમાં છેલ્લા ચારેક મહિનામાં આ ત્રીજો બદલાવ કરવામાં આવ્યો છે. પહેલા આ વિભાગનું નેતૃત્વ રાજેન્દ્ર વસાવા પાસે હતું. બાદમાં હરિતિમા શર્માને આ સેલના કાર્યપાલક ઇજનેર તરીકે મુકાયા હતા. હવે ફરી બદલાવ કરીને સ્વપ્નિલ શુક્લને હેડ બનાવવામાં આવ્યા છે. સતત થતા આ બદલાવને લઈને વિભાગની કાર્યપદ્ધતિ અંગે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે.

આ સિવાય પાણી પુરવઠા વિભાગના ઇલેક્ટ્રિકલ ઇજનેર જતન બધેકાને ફ્યુચરિસ્ટિક સેલમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે મુકાયા છે. સામાન્ય રીતે આ વિભાગમાં સિવિલ ઇજનેરની જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ ઇલેક્ટ્રિકલ ઇજનેરની નિમણૂક થતા પણ પ્રશ્નો ઉભા થયા છે. ફ્યુચરિસ્ટિક સેલમાં થોડા સમય પહેલા હરિતિમા શર્માને રાજેન્દ્ર વસાવાની જગ્યાએ મુકાયા હતા. હવે ફક્ત થોડા જ મહિનામાં ફરી એકવાર બદલાવ કરીને સ્વપ્નિલ શુક્લને હેડ બનાવવામાં આવ્યા છે. સતત થતા આ ફેરફારોને કારણે વિભાગમાં સ્થિરતા ન હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. વેન્ડિંગ મશીન ખરીદીમાં વિવાદિત રહેલા સ્વપ્નિલ શુક્લને મહત્વના સેલના હેડ તરીકે મુકાયા છે તે મુદ્દે કર્મચારીઓમાં પણ ચર્ચા છે. બીજી તરફ સિવિલ ઇજનેર જરૂરી હોય તેવા સેલમાં ઇલેક્ટ્રિકલ ઇજનેર જતન બધેકાની નિમણૂકથી તંત્રની કાર્યપદ્ધતિ અંગે શંકા ઉભી થઈ છે. ફ્યુચેરિસ્ટિક પ્લાનિંગ સેલ મહાનગરપાલિકાના મહત્વના વિભાગોમાંનો એક ગણાય છે.

Most Popular

To Top