200 થી વધુ કર્મચારીઓએ કંપની મેનેજમેન્ટ સામે બાંયો ચઢાવી કર્યું ધરણા પ્રદર્શન :
ન્યાય નહિ મળેતો આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.31
વડોદરા શહેરના ફર્ટિલાઇઝર નગરમાં આવેલી ટેકનો ઈલેક્ટ્રોમેક પ્રાઇવેટ લિમિટેડ કંપની બંધ થવાના એંધાણ વર્તાતા 200થી વધુ કર્મચારીઓએ કંપની ખાતે પહોંચી વિરોધ દર્શાવ્યો હતો સાથેજ પગાર વધારો, બોનસ અને શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું.

વડોદરાના છેવાડે આવેલી કંપનીને અન્યત્ર સ્થળાંતર કરવાની ચાલી રહેલી હિલચાલ સામે કર્મચારીઓએ કંપની ખાતે હલ્લો મચાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર નજીક ફર્ટિલાઇઝર નગરમાં ટેકનો ઇલેક્ટ્રો મેક પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. અહીં કામ કરતા 200 થી વધારે કર્મચારીઓને બેરોજગાર થવાનો ભય સતાવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કંપનીમાંથી મશીનરી ખાલી કરવામાં આવી રહી હોય જેના કારણે કર્મચારીઓમાં આ કંપની અહીંથી બંધ કરી અન્યત્ર સ્થળાંતર કરવાની હિલચાલ થતા આજે કર્મચારીઓએ એકત્ર થઈને કંપની ખાતે પહોંચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

કર્મચારીઓએ મેનેજમેન્ટ સાથે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી પગાર વધારો થતો નથી. 415 રૂપિયા રોજ આપવામાં આવે છે, આઠ કલાક કામની જગ્યા પર બાર બાર કલાક કામ કરવામાં આવી રહ્યું છે મશીનરીનું શિફ્ટિંગ કરવામાં આવતા ઉપલા અધિકારીઓ સાથે વાત કરતા સરખો જવાબ આપવામાં આવતો નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ શોષણ કરવામાં આવી રહ્યું છે. જો કંપની બંધ કરવાની હોય તો અમને લેખિતમાં આપો અને જો ના બંધ થવાની હોય તો પગાર વધારો કરી રોજગારી આપો કંપનીના મેનેજમેન્ટના અધિકારીઓ પણ કર્મચારીઓ સાથે અભદ્ર ભાષામાં વર્તન કરે છે. વર્ષ 2016 થી બધા કામદારો કામ કરી રહ્યા છે. પરંતુ આજ દિન સુધી પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. કંપની દ્વારા કર્મચારીઓ જ્યારે ટિફિન કે અન્ય સામાન લઈને કંપનીમાં પ્રવેશે છે, તો બધું જપ્ત કરી દેવામાં આવે છે. કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતરતા તેમની વ્હારે સામાજિક કાર્યકર્તા લખન દરબાર પણ કંપની ખાતે આવી પહોંચ્યા હતા અને કંપની બહાર કામદારો સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું અને જ્યાં સુધી કંપની મેનેજમેન્ટ દ્વારા આ કર્મચારીઓને ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.