ઉદ્યોગ અને યુનિવર્સિટી વચ્ચેનો આવા પ્રકારનો સહયોગ સંશોધન ક્ષમતામાં વધારો કરશે
100 બેન્ચ, નવા સેમિનાર હોલ માટે 80 ખુરશીઓ તથા 35 ડેસ્કટોપ કમ્પ્યુટરોનું દાન


( પ્રતિનિધિ )વડોદરા,તા.17
મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગના એપ્લાઈડ કેમિસ્ટ્રી વિભાગમાં સન ફાર્માની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ હેઠળ નવીનીકૃત એમએસસી પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રૂ. 40 લાખના ઈન-કાઈ યોગદાનથી વિકસિત આ આધુનિક પ્રયોગશાળા શૈક્ષણિક માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા તેમજ ઉદ્યોગ-શૈક્ષણિક સહકારને પ્રોત્સાહન આપવા દિશામાં એક મહત્વપૂર્ણ માઈલોન સાબિત થઈ છે.
નવીનીકરણ પ્રક્રિયાની શરૂઆત વિભાગના 2001 બેચના ગૌરવશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થી પિયુષ પારેખ મેનેજર – આરએન્ડડી, એડીએલ વિભાગ, સન ફાર્માની મુલાકાતથી થઈ હતી. જેમણે વિભાગની દાયકાઓ જૂની પ્રયોગશાળાને આધુનિક બનાવવાની તાત્કાલિક જરૂરિયાત પર ધ્યાન દોર્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ્રુ એન્જિનિયરિંગના ડીન પ્રો. ધનેશ પટેલ, સન ફાર્માના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને આરએન્ડડી હેડ પ્રશાંત કાણે, વાઇસ પ્રેસિડેન્ટ ફોર્મ્યુલેશન આરએન્ડડી તથા સીએસઆર કમિટીના અધ્યક્ષ ડો. અજય ખોપડે, મેનેજર – આરએન્ડડી એનલિટિકલ ડેવલપમેન્ટ અને સીએસઆર ટીમના સક્રિય સભ્ય હાર્દિક ભટ્ટ તથા એપ્લાઈડ કેમિસ્ટ્રી વિભાગના વડા ડો. સી. કે. મોદી મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. નવીનીકૃત પ્રયોગશાળાનું વિધિવત્ ઉદ્ઘાટન પ્રશાંત કાણે, ડો. અજય ખોપડે, પ્રો. ધનેશ પટેલ અને ડો. સી. કે. મોદીના હસ્તે કરવામાં આવ્યું. મોડયુલર ફર્નિચર, નવીનતમ સુવિધાઓ, સુવ્યવસ્થિત ડ્રેનેજ સિસ્ટમ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થાઓથી સજ્જ આ પ્રયોગશાળા હવે વિદ્યાર્થીઓને અદ્યતન અને સુરક્ષિત સંશોધનમય વાતાવરણ પ્રદાન કરશે. પ્રયોગશાળાના નવીનીકરણ ઉપરાંત સન ફાર્માએ 100 બેન્ચ, નવા સેમિનાર હોલ માટે 80 ખુરશીઓ તથા 35 ડેસ્કટોપ કમ્પ્યુટરોનું દાન આપી વિભાગની શૈક્ષણિક અને ડિજિટલ સુવિધાઓને વધુ મજબૂત બનાવી છે. કુલપતિ પ્રોફ. ભાલચંદ્ર ભણગે એ આ મહત્વપૂર્ણ CSR પહેલ બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે ઉદ્યોગ અને યુનિવર્સિટી વચ્ચેનો આવા પ્રકારનો સહયોગ સંશોધન ક્ષમતાઓમાં વધારો કરવા, અભ્યાસક્રમને આધુનિક બનાવવા અને ભવિષ્યલક્ષી વૈજ્ઞાનિક પ્રતિભા ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમ અંતે સન ફાર્માના દ્રષ્ટિવંત સીએસઆર નેતૃત્વ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી અને શિક્ષણ, સંશોધન અને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રતિબદ્ધતા પુનઃદૃઢ કરવામાં આવી હતી.