Vadodara

ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં આગ ભભૂકી,તંત્રમાં દોડધામ

બીટુમીન મેન્યુફેક્ચરિંગની કામગીરી દરમિયાન શોર્ટ સર્કિટ

કરજણ અને વડોદરા ફાયર વિભાગની ટીમો દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો

( પ્રતિનિધિ )વડોદરા,તા.24

પોર નજીક આવેલા બામણ ગામમાં આવેલી એક ઈન્ડસ્ટ્રીયલ કંપનીમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બીટુમીન મેન્યુફેક્ચરિંગ કરતી ટેકનોબીટ નામની કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.

વડોદરા શહેર નજીક પોર પાસે આવેલા બામણ ગામમાં ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. કંપનીમાં બીટુમીન મેન્યુફેક્ચરિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક શોર્ટ સર્કિટ થવાથી કંપનીમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની જાણ થતાં જ વડોદરા અને કરજણ ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ મળ્યો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર કાર્યવાહી થવાથી મોટો અકસ્માત ટળી ગયો હતો. ઘટનામાં કોઈ કર્મચારીને ઈજા કે જાનહાની થઈ નથી. જીઆઈડીસી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જયદાન બારોટે જણાવ્યું હતું કે, વડોદરા ફાયર કંટ્રોલરૂમ તરફથી જીઆઇડીસી ફાયર સ્ટેશનની અંદર કોલ મળ્યો હતો કે ટેકનોબીટ કરીને એક ઇન્ડસ્ટ્રીઝ છે. જે બામણ ગામમાં આવેલી છે. જેનો કોલ મળતા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી અને આગને સંપૂર્ણ કાબુ કરેલી છે. આ રબર અને ડામરનો પ્લાન્ટ છે રબરને ગરમ કરીને કંઈક વસ્તુ બનાવે છે. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Most Popular

To Top