Vadodara

ટેકનોક્રેટ પ્રદેશ અધ્યક્ષ મળ્યા હોવાથી કાર્યકર્તાઓને કામમાં સહજતા આવશે: મુખ્યમંત્રી

પ્રદેશ અધ્યક્ષના અભિવાદન સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે ભાજપના કાર્યકર્તાને દેવથી દુર્લભ ગણાવ્યો

વડોદરામાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધનમાં કહ્યું કે “આ કાર્યક્રમ અભિવાદન માટે નહીં પરંતુ એ કાર્ય માટે છે જેમાં આપણે સૌ પ્રદેશ અધ્યક્ષ સાથે રહીને આગળ વધવાનું છે.” મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલા ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ’ ના કાર્યમંત્રના આધારે આજે દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. “મોદીજીના નેતૃત્વમાં આજે ભારત એવા દેશોની સાથે ઉભું છે, જેમની સામે પહેલાં કોઈ બાથ ભીડવા તૈયાર ન હતું,” એમ તેમણે જણાવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કાર્યકર્તા તરીકે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે જેના કારણે દેશની દિશા બદલાઈ છે. “કાર્યકર્તાની તાકાત બહુ મોટી છે. કાર્યકર્તા તરીકે આપણે દેશ માટે મહેનત કરી રહ્યા છીએ. ભાજપના કાર્યકર્તા દેવથી દુર્લભ કહેવાય, કારણ કે કોઈપણ પરિસ્થિતિમાં પ્રજાજનોની વચ્ચે ઊભા રહેવાની શક્તિ આપણા પાસે છે,” એમ તેમણે ઉમેર્યું. મુખ્યમંત્રીએ યાદ કર્યું કે જ્યારે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારે જગદીશ વિશ્વકર્મા શહેર ભાજપ પ્રમુખ હતા. “આજે હું મુખ્યમંત્રી છું અને તેઓ પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. તેઓએ સંગઠન અને સરકાર બંનેમાં સફળતાપૂર્વક કામ કર્યું છે,” એમ જણાવ્યું.

તેમણે વધુમાં કહ્યું કે નવા પ્રદેશ અધ્યક્ષ ટેક્નોલોજી પ્રત્યે સંવેદનશીલ છે અને ટેક્નોક્રેટ તરીકે કાર્યકર્તાઓના અનેક કામ સરળ બનાવી દેશે. “જગદીશભાઈ કાર્યકર્તાઓની આર્થિક અને સંગઠનાત્મક મુશ્કેલીઓ સમજશે અને એમની ચિંતા કરશે,” એમ મુખ્યમંત્રીએ કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ વિકાસયાત્રાને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે “7 થી 15 ઓક્ટોબર સુધી ગુજરાતભરમાં વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે. આપણે સ્વદેશી થઈશું તો આત્મનિર્ભર બનીશું.” કોવિડ જેવી આફત દરમિયાન પણ ભાજપના કાર્યકર્તાઓએ લોકસેવા ચાલુ રાખી હતી, એ વાતનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે “લોકોએ પોતાના માતા-પિતા છોડ્યા, પરંતુ ભાજપના કાર્યકર્તા સમાજ વચ્ચે રહ્યા.” અંતમાં તેમણે કહ્યું કે “ભાજપમાં જેવો આવે છે, એને આપણે જેવો જોઈએ એવો બનાવીએ છીએ. એ જ ભાજપની તાકાત છે.

Most Popular

To Top