ગત રોજ બુધવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની એક ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈ જવાની હતી અને તેમાં કુલ 160 મુસાફરો સવાર હતા.
મળતી માહિતી મુજબ, વિમાન જ્યારે ઉડાન માટે તૈયારી કરી રહ્યું હતું ત્યારે પાઇલટને કોકપીટમાં સ્પીડ પેરામીટર્સ દર્શાવતી સ્ક્રીનમાં ખામી દેખાઈ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાઇલટે તરત જ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય કર્યો. ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, પરંતુ વિમાન તાત્કાલિક ઉડાન માટે યોગ્ય ન હતું.
એર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, “વિમાનમાં આવેલા ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ રદ કરવી પડી. મુસાફરોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. તમામ મુસાફરોને બીજા વિમાન દ્વારા મુંબઈ મોકલવામાં આવ્યા છે.”
ફ્લાઇટ રદ થતા મુસાફરોમાં થોડો અશાંત માહોલ જોવા મળ્યો હતો, પરંતુ એરલાઈન સ્ટાફે તેમને શાંતિથી સંભાળ્યા અને વિકલ્પિક વ્યવસ્થા કરી. એર ઈન્ડિયાએ ટેકનિકલ ખામી માટે દિલગીરી વ્યક્ત કરતા કહ્યું છે કે આવી સ્થિતિઓમાં મુસાફરોની અનુકૂળતા માટે અમે સઘન પ્રયાસો કરીએ છીએ.