Vadodara

ટુંડેલના વખતપુરામાં ડી.જે.ના ઘોંઘાટ વચ્ચે યુવકનું જાહેરમાં નિર્લજ્જ પ્રદર્શન: વીડિયો વાયરલ

બે ડી.જે. વચ્ચેની હરીફાઈમાં ભાન ભૂલેલા તત્વોએ મર્યાદાઓ નોંતરી, જાહેર માર્ગ પર પેન્ટ ઉતારી બિભત્સ ચેનચાળા કરતા ભારે રોષ

(પ્રતિનિધિિ) નડિયાદ, તા.11
નડિયાદ તાલુકાના ટુંડેલ ગામે આવેલા વખતપુરા વિસ્તારમાં લગ્ન પ્રસંગના ડી.જે. કાર્યક્રમ દરમિયાન નૈતિકતા અને સભ્યતાના લીરેલીરા ઉડાવતી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં યોજાયેલા એક લગ્ન સમારંભમાં બે ડી.જે. વચ્ચે જામી રહેલી હરીફાઈમાં ઉશ્કેરાયેલા અને ગેલમાં આવી ગયેલા એક યુવકે ચાલુ ડી.જે. સિસ્ટમ ઉપર ચઢી જઈને તમામ મર્યાદાઓ નેવે મૂકી હતી. આ યુવકે જાહેરમાં પોતાનું પેન્ટ ખોલી નાખી બિભત્સ ચેનચાળા કર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ખેડા જિલ્લામાં ફિટકારની લાગણી વરસી રહી છે.
વિગતો મુજબ, વખતપુરામાં લગ્ન પ્રસંગે મધરાત સુધી જોરશોરથી ડી.જે. વગાડવામાં આવી રહ્યા હતા. સામસામે ડી.જે. વાગતા હોવાથી યુવાનો બેફામ બન્યા હતા અને નાચવા-કૂદવા દરમિયાન ભાન ભૂલીને અશ્લીલતા પર ઉતરી આવ્યા હતા. એક તરફ અવાજનું પ્રદૂષણ અને બીજી તરફ બિભત્સ વર્તનના કારણે વાતાવરણ ડહોળાયું હતું. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે જો રાત્રિના સમયે પોલીસનું પેટ્રોલિંગ સઘન હોત અથવા ડી.જે. વગાડવા અંગેના કડક નિયમોનું પાલન કરાવવામાં આવ્યું હોત તો આવી સ્થિતિ સર્જાત નહીં. હાલમાં જાગૃત નાગરિકો દ્વારા આવા વિકૃત માનસ ધરાવતા શખ્સોને શોધી કાઢી તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના વર્ષ 2000 ના ધ્વનિ પ્રદૂષણ નિયમો મુજબ રાત્રે 10:00 થી સવારે 06:00 વાગ્યા સુધી લાઉડસ્પીકર કે ડી.જે. વગાડવા પર સંપૂર્ણ મનાઈ હોવા છતાં નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તેનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અનેક કિસ્સાઓમાં તંત્રની પૂર્વ મંજૂરી વગર જ ડી.જે. બેફામપણે વગાડવામાં આવે છે, જેમાં નિયત ડેસિબલ મર્યાદા કરતા અનેકગણો વધુ અવાજ પેદા કરીને લોકોની શાંતિમાં ખલેલ પહોંચાડવામાં આવે છે. ટુંડેલની ઘટનામાં નિયમોના ભંગ સાથે અશ્લીલતાનો ઉમેરો થતા વહીવટી તંત્ર હવે કેવી કાર્યવાહી કરે છે તેના પર સૌની મીટ મંડાણી છે.

ડી.જે.ની ઘેલછામાં યુવાધન દિશાહીન

વર્તમાન સમયમાં લગ્ન કે અન્ય પ્રસંગોમાં ડી.જે. વગાડવાનું ચલણ એક વરવી વાસ્તવિકતા બની ગયું છે, જેની ઘેલછામાં આજનું યુવાધન દિશા ભટકી રહ્યું હોય તેમ જણાય છે. ગીતોના તાલે ઝૂમવાને બદલે યુવાનો જે રીતે મર્યાદાઓ ઓળંગીને બિભત્સ પ્રદર્શન કરી રહ્યા છે, તે સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. મનોરંજનના નામે અશ્લીલતા અને ઘોંઘાટને પ્રાધાન્ય આપી રહેલા યુવાનો પોતાની સામાજિક જવાબદારી અને સંસ્કારોને નેવે મૂકી રહ્યા છે. ટુંડેલ જેવી ઘટનાઓ સાબિત કરે છે કે માત્ર ક્ષણિક ઉત્તેજના માટે યુવા પેઢી પોતાની ગરિમા ગુમાવી રહી છે, જે આવનારા સમય માટે અત્યંત ઘાતક સંકેત છે.

ડી.જે. સિસ્ટમમાં નિર્ધારિત ડેસિબલ જાળવવા અશક્ય
ડી.જે.માં વપરાતા હાઈ-વોલ્ટેજ સ્પીકરો અને હેવી બેઝની તકનીકી ક્ષમતા જ એવી હોય છે કે તે સરકારી ધારાધોરણો મુજબની ડેસિબલ મર્યાદામાં રહી શકતા નથી, પરિણામે તંત્ર દ્વારા આવા ડી.જે.ને વગાડવાની કાયદેસરની મંજૂરી આપવી પણ ટેકનિકલી અશક્ય બને છે. તેમ છતાં, નડિયાદ શહેર અને ગ્રામ્ય પંથકોમાં સંચાલકો કોઈ પણ મંજૂરી વગર સ્પર્ધાઓ યોજી રહ્યા છે. માનવ શરીરના આંતરિક અંગો અને કાનના પડદાને નુકસાન પહોંચાડે તેવા અત્યંત તીવ્ર અવાજ સામે વહીવટી તંત્ર મૌન સેવીને બેઠું હોવાથી સંચાલકો જાહેર માર્ગો પર આતંક મચાવી રહ્યા છે.

Most Popular

To Top