ગાડી પર વિના સેફટીએ ઊભા રહી યુવકે નિયમોની કરી ઐસીતૈસી


પ્રતિનિધિ )વડોદરા,તા.9
સતત ત્રીજી વખત ટી 20 વર્લ્ડ કપ ભારતે જીતી ઈતિહાસ રચ્યો છે. સમગ્ર દેશમાં જીતનો જશ્ન મનાવાયો હતો. ત્યારે,વડોદરામાં પણ આ ભવ્ય જીતની ઉજવણીમાં એક યુવકે કાર પર ચડી જઈ જોખમી સ્ટંટ કર્યો હતો. બીજી તરફ તેની બાજુમાં બાઈક પર સવાર બે યુવકો પૈકી બાઈક ચલાવનાર યુવકે પણ એક હાથે બાઈકનું સ્ટેયરિંગ પકડી અને બીજા હાથે મોબાઈલથી કાર પર ચડી જીત મનાવી રહેલા યુવકનો વીડિયો ઉતાર્યો હતો. આ બંને યુવકોએ પોતાનો જીવ જોખમમાં મૂકી નિયમોના લીરેલીરા ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
વડોદરામાં ભારતના જીતની વર્લ્ડ કપ જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રી દરમિયાન ક્રિકેટપ્રેમીઓ જાહેર માર્ગ પર ઉમટી પડ્યા હતા અને તિરંગા સાથે જીતનો ઉત્સવ મનાવ્યો હતો. બીજી તરફ આ ઉજવણીમાં એક યુવકે નિયમોના લીરેલીરા ઉડાવી પોતાનો અને અન્યના જીવ જોખમમાં મૂકી દીધા હતા. ભારતની જીતની ઉજવણીરૂપ વિજય રેલી દરમિયાન કાર પર સેફટી વિના ઊભા રહી તિરંગો લઈ નારા લગાવતો યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ઘટના વડોદરામાં નવનિર્મિત બ્રિજ નીચેના રોડ પર બની હતી. જ્યાં યુવકે ટ્રાફિક સિગ્નલની નજીક પહોચવા છતાં પણ કોઈ ડર વિના ગાડી પર ઊભો રહી નારા લગાવ્યા હતા. જ્યારે આ સમગ્ર ઘટના બાજુમાં બાઈક પર પસાર થઈ રહેલા બીજા યુવકે આ જોખમી સ્ટંટનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જે વીડિયોમાં યુવક પોલીસને પડકારતો જોઈ શકાય છે. યુવકના આ જોખમી સ્ટંટથી અન્ય વાહનચાલકોમાં આકસ્મિક અકસ્માતનો ભય ફેલાયો હતો.