Vadodara

ટીપી-13 વિસ્તારના પ્રયાગ ચાર રસ્તા પાસે નવો ભૂવો પડ્યો..

અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો
શહેરમાં ભ્રષ્ટ તંત્રના પાપે ભૂવા પડવાનો સિલસિલો યથાવત..


ચોમાસાની ઋતુ શરૂ થતા જ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવાઓ પડી રહ્યા છે. રોજબરોજ જુદા જુદા વિસ્તારોમાં ભૂવાઓ પડવાની ઘટના સામે આવી રહી છે. ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગર પાલિકાની બેદરકારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવતી તકલાદી કામગીરીના કારણે આ ભૂવાઓ પડતા હોય તેવું કહી શકાય.



આજરોજ સવારે શહેરના વોર્ડ નંબર 1 ટીપી 13 વિસ્તારમાં પ્રયાગ ચાર રસ્તા પાસે એક ભૂવો વિસ્તારના નાગરિકને નજરે પડ્યો હતો. તેમના દ્વારા તાત્કાલિક કોંગ્રેસ ના કાઉન્સિલર પુષ્પા વાઘેલાના ઘરે જઈને આ બાબતની માહિતી આપી હતી અને માહિતી મળતા જ પુષ્પા વાઘેલા તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તેમના દ્વારા સ્થાનિકોની મદદથી ભુવાની આસપાસ બેરીકેટિંગ કરી દેવાયું હતું અને અધિકારીને આ બાબતની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તુરંત એક્શન લેવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો અધિકારી દ્વારા છારૂ મોકલાવીને ભૂવાને પૂરી દીધો હતો. અને ત્યારબાદ ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા જેસીબી મોકલાવીને જ્યાં ભુવો પડ્યો હતો ત્યાં ખોદકામ શરૂ કરાવી ફોલ્ટ શોધવાનું કામ શરૂ કર્યું હતું.



વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ વિસ્તારમાં પડેલ ભૂવાને કારણે તંત્રની ઝાટકણી કાઢી હતી. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોને ફાયદો અપાવવા માટે કોર્પોરેશન દ્વારા બેદરકારી બતાવવામાં આવે છે અને તેના ફળ સ્વરૂપે આ પ્રકારના ભૂવાઓ વારંવાર શહેરમાં પડી રહ્યા છે. હજી એક ભૂવાનું કામ પૂર્ણ થયું નથી અને ત્યાં જ બીજો ભૂવો વિસ્તારમાં પડ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું એક અધિકારીએ તાત્કાલિક છારૂ મોકલાવીને ભૂવાનું પુરાણ કર્યું અને તેમના ઉચ્ચ અધિકારીએ જેસીબી મોકલાવીને જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં ખોદકામ શરૂ કરાયું હતું. તો આ પ્રકારે ક્યાંકને ક્યાંક સંકલન નો અભાવ પણ અધિકારીઓ વચ્ચે હોવાથી પ્રજાના પૈસાનો વેડફાટ થતો હોય તેવું જણાય આવે છે.

આ બાબતે ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું કે આ ભૂવો વરસાદી પાણીના કારણે નથી પડ્યો પરંતુ અંડરગ્રાઉન્ડ કોઈ લીકેજ હોઈ શકે. જે માટે હાલમાં ભૂવો પડેલી જગ્યાએ ખોદકામ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવ બાબતે તેમણે જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક કાઉન્સિલર પુષ્પા વાઘેલાને ગેરસમજ થઈ છે. ભૂવો પડવાની જાણ થતા જ ખોદકામ માટે જેસીબી મોકલી દેવાયું હતું પરંતુ છારૂ ભરેલ ટ્રેક્ટર સ્થળની નજીક હતું એટલે તે પહેલા પહોંચીને પુરાણ કરવામાં આવ્યું.

Most Popular

To Top