પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ડે.ચીફ ટીકીટ ઈન્સ્પેક્ટર રૂ.200ની લાંચ લેતા ઝડપાયો
( પ્રતિનિધી )વડોદરા,તા.28
ટિકિટ ન હોય તેવા કિસ્સામાં મુસાફરને મુસાફરી કરવાના અવેજ પેટે મુસાફરો પાસેથી ટીસી લાંચની માંગણી કરી રહ્યો હોવાને માહિતીને આધારે પશ્ચિમ એક્સપ્રેસ રેલવે ટ્રેનમાં એસ.સી બીએ છટકું ગોઠવીને રતલામ ડિવિઝનલ રેલ મેનેજર કચેરીના વર્ગ 3 ના ડેપ્યુટી ચિફ ટિકિટ ઈન્સ્પેક્ટરને રૂ.200ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
સુરતથી મુંબઇ તરફ જતી ટ્રેનોમાં મુસાફરો નવસારી, બીલીમોરા, વલસાડ અને વાપી સુધી મુસાફરી કરવા માટે ટ્રેનમાં જતા હોય છે. આ દરમ્યાન મુસાફરો પાસે જે તે રેલ્વેના ટી.સી. દ્વારા ચેકીંગ કરવામાં આવે છે. આ દરમ્યાન મુસાફર પાસે જે-તે કોચની ટિકીટ ન હોય તેવા કિસ્સામાં મુસાફરને મુસાફરી કરવાના અવેજ પેટે ટી.સી. મુસાફર પાસે રૂ.200 થી રૂ.500 ની લાંચની માંગણી કરે છે. તેવી આધારભૂત માહિતીની ખરાઇ કરવા સુરત રેલ્વે સ્ટેશનથી સુપર વિઝન અધિકારી દ્વારા વલસાડ અને ડાંગ એસીબી પોસ્ટેના ડિકોયરનો સહકાર મેળવી, પશ્ચિમ એક્સ્પ્રેસ રેલ્વે ટ્રેનમાં સુરતથી ડિકોયર કોચ નં. એસ-2 માં ચડ્યા હતા. જે દરમ્યાન ટીકિટ ચેક કરવા માટે ટી.સી. ડિકોયરને મળેલ તે સમયે ડિકોયર પાસે જનરલ કોચની ટિકીટ હોય વર્ગ ત્રણના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર અનિલ ઓમકાર કૌશલે ડિકોયરને સ્લીપર કોચની સીટ બાબતે પુછતા ડિકોયરે હા પાડતા, તેઓએ ટીકીટ પાછળ કોચ તથા સીટ નંબર લખી આપીને ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને પોતાની કાયદેસરની ફરજ નહી બજાવી, પોતાના આર્થિક ફાયદા માટે રૂ.200ની લાંચની માગણી કરી. લાંચ સ્વીકારતાજ એસીબીએ લાંચિયા ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર અનિલ કૌશલને ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.